મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd September 2019

કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધારવા તૈયારી

કેન્દ્રીય કેબીનેટ નિર્ણય લેશેઃ હાલ ૧૨ ટકા મળે છે જેમાં ૫ ટકાનો વધારો થઈ કુલ ૧૭ ટકા ડીએ મળશેઃ ૧લી જુલાઈથી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ ડયુ છેઃ પેન્શનરોને પણ લાભઃ કર્મચારીઓને ઓછામાં ઓછા ૯૦૦થી માંડીને વધુમાં વધુ ૧૨૫૦૦નો લાભ થશેઃ ડીએ ઉપરાંત કેન્દ્રીય કેબીનેટ જમ્મુ-કાશ્મીર અંગે પણ મોટી રાહત જાહેર કરે તેવી શકયતા

નવી દિલ્હી, તા. ૩ :. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર બહાર આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર આવતીકાલે પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (ડીએ)માં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સંભાવના છે કે પ્રસ્તાવિત કેન્દ્રીય મંત્રી મંડળ આવતીકાલે બેઠકમાં આ અંગેનો નિર્ણય લેશે. કેબીનેટની બેઠકમાં જમ્મુ-કાશ્મીર સહિત અનેક અન્ય મુદ્દા પર ચર્ચા ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએ વધારવાની જાહેરાત કરી શકે છે. ડીએમાં ૫ ટકાનો વધારો થશે અને હાલ ૧૨ ટકા મળશે તે વધીને ૧૭ ટકા થશે. આ વધારાથી કર્મચારીઓને ૯૦૦ રૂ.થી માંડીની ૧૨૫૦૦ રૂ. વચ્ચે વધારો મળશે. આ મોંઘવારી ભથ્થુ ૧લી જુલાઈથી ડયુ છે.

જાન્યુઆરી ૨૦૧૯ની વચ્ચેના મહિનાઓ માટે ગ્રાહક ભાવાંકના આંકડાઓ અનુસાર મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો નક્કી થયો છે. જાન્યુઆરીમાં ડીએ ૧૩.૩૯ ટકાની તુલનામાં જૂન માટે ૧૭.૯ ટકા રહ્યુ હતુ. ડીસેમ્બરના આંકડા ઓછા હતા તેના કારણે સરકારે ડીએમાં ૩ ટકાનો વધારો કર્યો હતો.

સરકાર ન્યુનત્તમ વેતન અને ફીટમેન્ટ ફેકટરમાં વધારાનો કોઈ નિર્ણય લેવાની તૈયારીમાં નથી એવામાં ડીએ સ્વરૂપનો વધારો કર્મચારીઓ માટે મહત્વનો બની રહેશે. આ ડીએ વધારો ગણેશોત્સવ અને આગામી તહેવારોને લઈને કર્મચારીઓ માટે મહત્વનો બની રહેશે. પેન્શનરોને પણ આ ડીએના વધારાનો લાભ મળશે. દેશમાં ૫૦ લાખ જેટલા કર્મચારીઓને એટલી જ સંખ્યામાં પેન્શનરો પણ છે.

(10:08 am IST)