મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

૧૨૬ રાફેલ જેટની જરૂર છે ત્યારે માત્ર ૩૬ કેમ ખરીદાઇ રહયા છે?: કોંગ્રેસનો મોદી સરકારને પ્રશ્ન

અરજન્સી છે તો સરકારે એક સાથે બધા વિમાનો આપી દેવાનું ફ્રેન્ચ કંપનીને કેમ ન કહયું?, વિમાનની કિંમત ૫૨૬ કરોડ રૂપિયાથી કેવી રીતે વધીને ૧૬૭૦ કરોડ રૂપિયા થઇ ગઇ?, રાફેલ વિમાનનો પ્રથમ લોટ ૨૦૧૯માં આપવામાં આવશે અને બાકીના વિમાનો ૨૦૨૨માં અપાશે, કરોડપતિ મિત્રની હિમાયત કરવા માટે સરકારે દેશના હિતોની બલિ ચઢાવીઃ કોંગ્રેસ

નવીદિલ્હી તા.૬: ફ્રાંસ પાસેથી રાફેલ ફાઇટર જેટ સોદા અંગે કેન્દ્ર ખાતેની નરેન્દ્ર મોદી સરકાર સામે આકરા પ્રહારો કરવાનું ચાલુ રાખીને કોંગ્રેસે રવિવારે કેન્દ્ર સરકારને એવું પુછયું કે ૧૨૬ ફાઇટર જેટની જરૂર છે ત્યારે કેન્દ્રે ફ્રાંસની દસોલ્ટ એવિએશન સાથે માત્ર ૩૬ વિમાન ખરીદવાના સોદા પર શા માટે હસ્તાક્ષર કર્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ પુછયુ કે તાકીદની જરૂર કે અરજન્સી છે તો સરકારે એક સાથે બધા વિમાનો આપી દેવાનું ફ્રેન્ચ કંપનીને કેમ ન કહયું. તેમણે એવું પણ કહયું કે રાફેલ વિમાનનો પ્રથમ લોટ ૨૦૧૯માં આપવામાં આવશે અને બાકીના વિમાનો ૨૦૨૨માં અપાશે. જો કોઇ અરજન્સી છે તો બધા જ વિમાનો ૨૦૧૯ સુધીમાં આપી દેવા જોઇએ.

ચતુર્વેદીએ એવું પણ પુછયું કે જો આ યોગ્ય છે તો રાફેલ ડીલની સંયુકત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા તપાસ કરાવવામાં સરકાર શા માટે ડરી કે ગભરાઇ રહી છે. તેમણે એવું પણ જણાવ્યું કે કુલ ૧૨૬ વિમાનની જરૂર છે પરંતુ એનડીએ સરકારે માત્ર ૩૬ વિમાન ખરીદવા માટે જ સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. આ વિચિત્ર લાગે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે એક કરોડપતિ મિત્રની હિમાયત કરવા માટે સરકારે દેશના હિતોની બલિ ચઢાવી છે.

પ્રિયંકા ચતુર્વેદીએ એવો પણ પ્રશ્ન કર્યો કે વિમાનની કિંમત ૫૨૬ કરોડ રૂપિયાથી કેવી રીતે વધીને ૧૬૭૦ કરોડ રૂપિયા થઇ ગઇ? વડાપ્રધાને ખુલાસો કરવો જોઇએ કે સરકાર ૭૦ વર્ષનો સ્વચ્છ રેકોર્ડ ધરાવતી જાહેર ક્ષેત્રની કંપનીની અવગણના કરીને અનુભવ નહીં ધરાવતી અને માત્ર ૧૨ દિવસ જુની કંપનીને શા માટે કોન્ટ્રાકટ આપ્યો? કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યાના થોડાક દિવસો બાદ કોંગ્રેસ દ્વારા નવેસરથી સરકારને નિશાન બનાવવામાં આવી રહી છે.(૧.૨૨)

(12:23 pm IST)