મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

મહાત્મા ગાંધીની હત્યા પર જશ્ન મનાવનારા આજે સત્તા પર છે : બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર

સ્વરાએ ભીમા કોરેગાંવ હિંસા બાબતે માનવઅધિકાર કાર્યકર્તાઓની ધરપકડ સામે પણ સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર હંમેશા તેમના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તેણે સામાજીક મુદ્દાઓ પર વાત કરતા સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. તેણે જણાવ્યું કે, જે લોકો મહાત્મા ગાંધીની હત્યા પર જશ્ન મનાવતા હતા, તેઓ આજે સત્તા પર છે. એટલું જ નહી સ્વરાએ ભીમા કોરેગાંવ હિંસા બાબતે માનવઅધિકાર કાર્યકર્તાઓની ધરપકડ સામે પણ સવાલ ઉઠાવ્યા છે.

 


હકીકતમાં કોરેગાંવ હિંસા બાબતે સ્વરાએ માનવઅધિકાર કાર્યકર્તાઓની ધરપકડ ઉપર ટ્વીટ કરીને લખ્યું હતું કે, ભારતીય જેલો માત્ર લેખકો, માનવઅધિકાર કાર્યકર્તા અને વિદ્વાનો માટે જ છે...અને ડૉક્ટર જેમણે બાળકોના જીવ બચાવ્યા છે. ત્યારબાદ શનિવારે દિલ્હીમાં આયોજીત એક ઇવેન્ટમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ફરી એકવાર તેણે આ મુદ્દા પર પ્રકાશ નાખ્યો હતો.

સ્વરાએ જણાવ્યું કે, પંજાબમા જ્યારે ખાલિસ્તાનનો મુદ્દો ચાલી રહ્યો હતો ત્યારે ઘણા એવા લોકો હતા જેઓ ભિંડરાનવાલેને સંત તરીકે બોલાવતા હતા. સંત જનરેલના નામથી બોલાવતા હતા, શું તમે આ બધાને પકડીને જેલ ભેગા કરશો ? આ દેશમાં મહાત્મા ગાંધી જેવા મહાન શખ્સની હત્યા થઇ હતી ત્યારે પણ કેટલાક લોકો તેમની હત્યા પર જશ્ન મનાવી રહ્યા હતા. આજે આ લોકો સત્તામાં છે, આ લોકોને જેલ મોકલી દેવા જોઇએ? બરોબર...આનો જવાબ છે ના. આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે.

આ પ્રથમ વાર નથી કે સ્વરા તેના કોઇ નિવેદનને કારણે ચર્ચામાં આવી ગઇ હોય, આ અગાઉ પણ તે તેના બ્લોગ, ટ્વીટ અને નિવેદનોને કારણે લાઇમલાઇટમાં રહી ચુકી છે. આ પહેલા પણ પદ્માવત રિલીઝ મુદ્દે સ્વરાએ લખેલો પત્ર વિવાદનું કેન્દ્ર બન્યું હતું.

(10:59 am IST)