મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

મધ્ય પ્રદેશના ચુરહટ જિલ્લામાં જનઆશિર્વાદ યાત્રા દરમિયાન મુખ્યમંત્રી શિવરાજના કાફલા પર પથ્થરમારોઃ રથના કાચ ફુટ્યા

ચુરહટ/મધ્યપ્રદેશ: મધ્ય પ્રદેશના ચુરહટ જિલ્લામાં રવિવારે મોડી સાંજે મુખ્યમંત્રીની જન આશીર્વાદ યાત્રા દરમિયાન સીએમના રથ પર અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. જોકે, ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી, પરંતુ સીએમના રથના કાચ તૂટી ગયા હતા. પથ્થર કોને ફેંક્યા તેની પુષ્ટી થઈ શકી નથી પરંતુ ઘટના પાછળ ભાજપે કોંગ્રેસને જવાબદાર ગણાવી છે.

 ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે કોંગ્રેસ પર આરોપ લગાવતા ટ્વિટ કરી જણાવ્યું કે, ચુરહટ વિધાનસભા ક્ષેત્રમાં શિવરાજ સિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાના રથ પર કરવામાં આવેલો પથ્થરમારો કાયરતાભર્યું કૃત્ય છે. સભ્ય સમાજમાં આવી ઘટનાઓેને સહન કરી શકાય નહિં. જનતા આ કાયરતાનો જવાબ કોંગ્રેસને જરૂર આપશે.

 બીજી તરફ મધ્યપ્રદેશ ભાજપના મીડિયા પ્રભારી લોકેન્દ્ર પરાશરે ટ્વિટ કરતાં જણાવ્યું કે, ચુરહટમાં જન આશીર્વાદ યાત્રાને મળેલા અપાર જનસમર્થનથી લોકો કાયરોની જેમ પથ્થરમારા પર ઉતરી આવ્યા છે. સમગ્ર પ્રદેશની જનતા અને ભગવાન મુખ્યમંત્રી સાથે છે. કાયરતાભર્યું કૃત્ય કરનારાઓનો જનતા કરારો જવાબ આપશે.

 યાત્રા દરમિયાન કાળા ઝંડા બતાવ્યા

સીધી જિલ્લાના માયાપુરમાં જ્યારે શિવરાજ સિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રા પહોંચી તો વિરોધ સ્વરૂપે લોકોએ સીએમ શિવરાજને કાળા ઝંડા બતાવ્યા હતા. આ અંગે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે કે, કાળા ઝંડા બતાવનાર કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હતા અથવા એસસી/એસટી એક્ટનો વિરોધ કરનાર સંગઠન સાથે જોડાયેલા લોકો હતા. કારણ કે, રવિવારે સમગ્ર મધ્યપ્રદેશમાં નેતાઓને એસસી-એસટી એક્ટના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

(10:49 am IST)