મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

બુલેટ ટ્રેન યોજના માટે જમીન આપનારને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત

જમીન આપ્યા પછી ત્રણ વર્ષની અંદર નવી જમીન ખરીદે તો સુવિધા મળશે

નવી દિલ્હી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પોતાની જમીન આપનારા લોકો જો ત્રણ વર્ષની અંદર પોતાની માટે જમીન ખરીદે તો તેમણે સરકારને કોઈ સ્ટેમ્પ ડ્યુટી આપવી નહીં પડે. આ નિર્ણય પરિયોજનાને લાગુ કરનાર એજન્સી રાષ્ટ્રીય હાઈસ્પીડ રેલ નિગમ લિમિટેડ (NHSRCL)ની હાલમાં યોજાયેલી બોર્ડની બેઠકમાં લેવાયો હતો. આ લાભ ગુજરાત અને મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન યોજના માટે જમીન આપનારા લોકોને મળી શકશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પરિયોજના માટે ૧૪૩૪ હેક્ટર જમીનની આવશ્યકતા છે. તેમાંથી ૩૫૩ હેક્ટર મહારાષ્ટ્રમાં અને બાકીની જમીન ગુજરાતમાં છે. એજન્સીએ હાલ બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં માત્ર ૦.૯ હેક્ટર જમીન જ પ્રાપ્ત કરી છે. જમીન સંપાદનની સમયમર્યાદા આ વર્ષના ડિસેમ્બરમાં છે.

આ એજન્સી ૫૦૮ કિમી લાંબા હાઈસ્પીડ કોરિડોર માટે જમીન સંપાદન કરવા પ્રયાસરત છે. એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ યોજના માટે પોતાની જમીન આપનારા લોકોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી રહી છે. તેમની સ્ટેમ્પ ડ્યુટીની રકમ એજન્સી જ સરકારને ચૂકવશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ તેઓને મળનારી વળતરની રકમ ઉપરાંત આપવામાં આવશે. મોટાભાગના રાજ્યોમાં સંપત્તિની કુલ બજાર કિંમતના પાંચ-સાત ટકા સ્ટેમ્પ ડ્યુટી તરીકે લેવામાં આવે છે. જ્યારે એક ટકો નોંધણી ચાર્જ તરીકે લેવામાં આવે છે.

પાલઘરના પરશુરામ કાશીનાથ ગાયકવાડે જો કે આ અંગે કહ્યું હતું, ‘અમે અમારી જમીનના બદલે પરિવારના સભ્ય માટે નોકરી ઈચ્છીએ છીએ. સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ માત્ર ત્યારે જ લાભદાયી નીવડશે જ્યારે અમે અમારી જમીન પછી અન્ય જગ્યાએ જમીન લેવા લાયક નાણાં મેળવી શકીએ.’

(10:48 am IST)