મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

તાહિરા સફદર પાકિસ્તાન હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટીસ બન્યા

બલૂચિસ્તાન હાઇ કોર્ટના ચીફ જસ્ટીસ તરીકે શપથ ગ્રહણ કર્યા

ઇસ્લામાબાદ: શનિવારે પાકિસ્તાનના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો હતો. પાકિસ્તાનમાં આજ સુધી કોઇ પણ મહિલાએ હાઇ કોર્ટની ચીફ જસ્ટીસ તરીકે ફરજ બજાવી નથી, પરંતુ હવે આ ઉપલબ્ધિ જસ્ટીસ તાહિરા સફદરે પ્રાપ્ત કરી છે. તેમણે પાકિસ્તાનની હાઇ કોર્ટમાં પ્રથમ મહિલા ચીફ જસ્ટીસ તરીકેની ઉપલબ્ધી મેળવી છે. શનિવારે બલૂચિસ્તાનના રાજભવનમાં આયોજીત એક સમારોહમાં બલૂચિસ્તાન હાઇ કોર્ટના ચીફ જસ્ટીસ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના વરિષ્ઠ જજ અને વકીલો પણ હાજર રહ્યા હતા. તાહિરા સફદર ચીફ જસ્ટીસ મોહમ્મદ નૂર મેસ્કાનજઇનું સ્થાન લેશે.

તાહિરા સફદરે ક્વેટાના કેંટોનમેંટ સ્કુલમાંથી પોતાનું શિક્ષણ મેળવ્યું હતું ત્યાર બાદ ત્યાં જ ગવર્નમેંટ ગર્લ્સ કોલેજમાંથી સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી હતી. બલૂચિસ્તાનની વિશ્વવિદ્યાલયમાંથી ઉર્દુ સાહિત્યમાં માસ્ટર ડિગ્રી લીધા બાદ 1980માં ક્વેટાની યુનિવર્સિટી લો કોલેજથી કાયદાની પદવી મેળવી હતી. બલુચિસ્તાન હાઇકોર્ટની ચીફ જસ્ટીસ તરીકે તાહિરાનો કાર્યકાળ આવતા પાંચ વર્ષ સુધીનો રહેશે. જસ્ટીસ તાહિરા માટે ખાસ બાબત એ છે કે તેઓ અત્યાર સુધી જેટલા પદે રહ્યા છે તેમાં સૌપ્રથમ મહિલા હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. તેમના પિતા ઇમ્તિહાઝ બાકરી પાકિસ્તાનના વિખ્યાત વકીલ રહી ચૂક્યા હતા.  
 
તાહિરા સફદરે 1982માં પણ ઇતિહાસ રચ્યો હતો જ્યારે તેઓ બલુચિસ્તાનની પહેલી મહિલા સિવિલ જજ તરીકે નિમણૂક પામ્યા હતા. હાલમાં તેઓ ત્રણ સભ્યોની વિશેષ અદાલતના સભ્ય છે, જે પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના મામલે સુનાવણી કરી રહી છે. મુશર્રફ પર 3 નવેમ્બર 2007માં દેશમાં ઇમરજન્સી લાગુ કરવાના મામલે દેશદ્રોહનો આરોપ છે અને હાલમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે. 

(10:47 am IST)