મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

રૂપિયામાં મંદી વચ્ચે શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની સંભાવના

માઇક્રો ઇકોનોમિક ડેટા, રૂપિયા સહિતના સાત પરિબળો ઉપર નજર : વૈશ્વિક વેપાર યુદ્ધને લઇને ચિંતા : ક્રૂડની કિંમત, ઓગસ્ટ સિરિઝ એફ એન્ડ ઓ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ સહિતના અન્ય પરિબળો પર પણ તમામની નજર

મુંબઇ,તા. ૨ : શેરબજારમાં નવા કારોબારી સેશનમાં સાત પરિબળોની અસર રહેનાર છે. માઇક્રો આર્થિક પરિબળો, ડોલર સામે રૂપિયાની ચાલ સહિતના પરિબળોની અસર જોવા મળનાર છે. અપેક્ષા કરતા વધુ મજબૂત જીડીપીના આંકડાની અસર પણ જોવા મળશે. રૂપિયામાં તીવ્ર ઘટાડો, ગ્લોબલ ટ્રેડવોરને લઇને ચિંતા, ઓગસ્ટ સિરિઝના એફ એન્ડ ઓ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિના પરિણામ સ્વરુપે દલાલ સ્ટ્રીટમાં અસર જોવા મળશે. ત્રણ વર્ષમાં રૂપિયો સૌથી વધુ ઘટીને ૭૧ની સપાટીએ પહોંચ્યો છે. માઇક્રો ઇકોનોમિક ડેટા બજારની દિશા નક્કી કરી શકે છે. ફિસ્કલ ડેફિસિટનો આંકડો એપ્રિલ-જુલાઈ મહિના માટે ૫.૪૦ લાખ કરોડનો રહ્યો છે. આઠ કોર સેક્ટરમાં પણ આંકડો ઉલ્લેખનીય રહ્યો છે. ટ્રેડવોરને લઇને ચિંતા પણ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં સાત પરિબળો બજારની દિશા નક્કી કરશે. હાલમાં પ્રવાહી સ્થિતિની શક્યતા વધારે દેખાઈ રહી છે. મોનસુન સરેરાશ કરતા ઓછો રહેતા તેની પણ ચિંતા છે. ૩૦મી ઓગસ્ટ સુધી દેશમાં એકંદરે વરસાદ આઈએમડીના લોંગ પરિયડ એવરેજ કરતા છ ટકા ઓછો રહ્યો છે. આને લઇને તંત્ર પણ ચિંતિત છે. આગામી સપ્તાહમાં અનેક કંપનીઓના પરિણામ જારી કરવામાં આવનાર છે જેમાં મારુતિ સુઝુકી, તાતા અને મહિન્દ્રા શનિવારના દિવસે તેમના વેચાણના આંકડા જારી કરશે. શુક્રવારના દિવસે જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા હતા જેમાં જૂન ત્રિમાસિક ગાળામાં ઉલ્લેખનીય સ્થિતિ રજૂ કરવામાં આવી હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ રેટ રેકોર્ડ ગતિએ વધીને ૮.૨ ટકા સુધી પહોંચી ગયો છે. શુક્રવારે ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર સૌથી ઝડપથી વધતા મોદી સરકારને પણ મોટી રાહત મળી છે.  જીડીપી ગ્રોથરેટ છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૭.૭ ટકા હતો જ્યારે અગાઉના નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૫૯ ટકા હતો. ગ્રોથરેટ અપેક્ષા કરતા પણ વધી ગયો છે. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી કરતા પણ વધારે ઉંચો ગ્રોથરેટ રહ્યો છે. ભારત સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે હોવાની વિગત હવે સ્પષ્ટ થઇ ચુકી છે. બીજા ત્રિમાસિક ગાળામાં ચીનમાં ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો હતો.  સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટાના બીજા સેટમાં આ કોર સેક્ટરમાં ગ્રોથ રેટ જુલાઈમાં ૬.૬ ટકા રહ્યો છે જે કોલસા, રિફાઈનરી, સિમેન્ટ, ફર્ટીલાઇઝરમાં હેલ્થી ઉત્પાદનનું ચિત્ર રજૂ કરે છે. બીજી બાજુ શુક્રવારના દિવસે શેરબજારમાં ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૪૫ પોઇન્ટ ઘટીને ૩૮૬૪૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ચાર પોઇન્ટ ઘટીને ૧૧૬૮૦ની નીચી સપાટીએ રહ્યો હતો. ઓઇલથી ટેલિકોમ સુધીના ક્ષેત્રમાં કારોબાર ધરાવનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ૨.૭૫ ટકાનો ઘટાડો થયો હતો.  ઓગસ્ટ મહિના માટે યુએસ જોબ ડેટાના આંકડા શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. જુલાઈ મહિનામાં યુએસ જોબ ગ્રોથના આંકડા ઘટી ગયા હતા. જો કે, બેરોજગારીના રેટમાં ઘટાડો થયો છે. હાલમાં અમેરિકાની ચીન સાથે ખેંચતાણને લઇને વૈશ્વિક બજારોમાં પણ પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે.

(12:00 am IST)