મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

પ્રણવ દા ભાજપ સરકારના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત

મુખ્યમંત્રી ખટ્ટર સાથે એકમંચ પર દેખાયા : કોંગ્રેસ ફરી એકવખત પરેશાન : પ્રણવ મુખર્જી ફાઉન્ડેશન સંઘ સાથે મળીને કામ કરી રહ્યું નથી : અંતે સ્પષ્ટતા થઇ

ગુરુગ્રામ, તા. ૨ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં સામેલ થયા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી આજે ભાજપ શાસિત હરિયાણામાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે સરકારના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેના પરિણામ સ્વરુપે કોંગ્રેસ પાર્ટીમાં ફરીથી હતાશાનું મોજુ ફરી વળ્યું હતું. પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા પણ નાખુશ દેખાઈ હતી. પાર્ટીના કેટલાક બીજા નેતાઓ દ્વારા નહીં પહોંચવાની અપીલ કરી હોવા છતાં અગાઉ મુખર્જી સંઘના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તે વખતે પ્રણવ મુખર્જીએ દેશ, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ ઉપર વાત કરી હતી. આજે પૂર્વ રાષ્ટ્રપતિ પોતાના થિંક ટેંક પ્રણવ મુખર્જી ફાઉન્ડેશનના કેટલાક કાર્યક્રમોને લોંચ કરવા માટે પહોંચ્યા હતા. ગુરુગ્રામમાં મુખ્યમંત્રી ખટ્ટર સાથે એક મંચ ઉપર નજરે પડ્યા હતા. બે દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા કે, મુખર્જીએ આ ઇવેન્ટ માટે ૧૫ સિનિયર અને જુનિયર લેવલના સંઘ કાર્યકરોને પણ આમંત્રણ આપ્યું છે. સંઘના સભ્યોએ તેમને જમીની સ્તર પર તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી છે. પૂર્વ રાષ્ટ્રપતિની ઓફિસ તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, હરિયાણામાં પ્રણવ મુખર્જી ફાઉન્ડેશન સંઘની સાથે મળીને કામ કરી રહી નથી. તેમણે કહ્યું હતું કે, આવી કોઇ યોજના પણ નથી. ખાસ બાબત એ છે કે, પ્રણવ મુખર્જી ફાઉન્ડેશન સ્માર્ટ ગામ પ્રોજેક્ટ હેઠળ દત્તક લેવામાં આવેલા ગામોમાં કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. આ હેઠળ ટ્રેનિંગ અને ઇનોવેશન વેરહાઉસેસ લોંચ કરવા અને પાણી માટે એટીએમ સ્થાપિત કરવાના કામ પણ સામેલ છે. હરિયાણામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ જુલાઈ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્યો હતો. પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ હોદ્દા પર રહેતી વેળા કેટલાક ગામોને દત્તક લીધા હતા. આજે હરિયાણા સરકારના આમંત્રણ પર ગુરુગ્રામમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

(12:00 am IST)