મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd August 2022

ભોપાલમાં આરોગ્ય વિભાગના કારકુનના ઘરે દરોડા: 85 લાખ રોકડ રકમ જપ્ત

ઇકોનોમિક ઓફેન્સીસ સેલ (EOW) એ ભોપાલમાં આરોગ્ય વિભાગના ક્લાર્ક હીરો કેસવાનીના ઘરે દરોડા પાડ્યા: પ્રાથમિક તપાસમાં જ અપ્રમાણસર સંપત્તિના પુરાવા મળ્યા

ઇકોનોમિક ઓફેન્સીસ સેલ (EOW) એ મધ્યપ્રદેશના ભોપાલમાં આરોગ્ય વિભાગના ક્લાર્ક હીરો કેસવાનીના ઘરે દરોડા પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ અપ્રમાણસર સંપત્તિના પુરાવા મળ્યા હતા. રાત સુધી ચાલેલી તપાસમાં ચાર કરોડથી વધુની સંપત્તિનો પર્દાફાશ થયો હતો. કેસવાણીના ઘરેથી 85 લાખની રોકડ પણ મળી આવી હતી. નોંધનીય છે કે કેસવાણીએ તપાસ ટીમની કાર્યવાહીથી બચવા માટે ફિનાઈલ પીધું હતુ ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેની હાલત હાસમાં સારી છે.

ઉલ્લેખનીય છે કે પચાસ હજાર માસનો પગાર મેળવતા સરકારી કારકુનના બૈરાગઢમાં વૈભવી મકાનના પ્લોટની જમીનના દસ્તાવેજો મળી આવ્યા હતા. જ્વેલરી પણ મળી આવી હતી. પત્નીના ખાતામાં પણ મોટી રકમ જમા થઈ છે. અપ્રમાણસર સંપત્તિની ફરિયાદ પર, EOW એ કોર્ટના આદેશો લીધા પછી ઘર પર દરોડા પાડ્યા.

મધ્યપ્રદેશમાં EOW એક્શન મૂડમાં છે, અપ્રમાણસર સંપત્તિ કમાવવાની ફરિયાદ પર પગલાં લેતા, EOW એ જબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ એન્જિનિયર આદિત્ય શુક્લાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, અઘોષિત સંપત્તિ અને રોકાણો સંબંધિત ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. EOW એ ફરિયાદના આધારે આ કાર્યવાહી કરી છે. જેમાં એન્જિનિયરના ઘરમાં આવકના જાણીતા સ્ત્રોત કરતાં 203 ગણી વધુ સંપત્તિ મળી આવી છે. તેમાં તેના બે આલીશાન મકાનો પણ સામેલ છે.

આ ઉપરાંત જૂન મહિનામાં, EOW એ ટીકમગઢ જિલ્લામાં ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટીના ડિરેક્ટર મીના રકવારના ઘરે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી અપ્રમાણસર સંપત્તિના કેસમાં કરવામાં આવી હતી. તેમની પાસે લગભગ બે કરોડની જંગમ અને જંગમ સંપત્તિનો ખુલાસો થયો હતો

(12:44 am IST)