મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

અમેરિકી સંરક્ષણ મંત્રાલયના વડામથક પેન્ટાગોન બહાર ભારે ફાયરીંગ : અનેક ઘાયલ:પેન્ટાગોનને લોકડાઉન કરાયું કોઈને બહાર જવાની મંજૂરી નથી

વિશ્વમાં સૌથી સુરક્ષિત જગ્યામાં મેટ્રો સ્ટેશન નજીક અંધાધૂંધ ગોળીબાર કર્યા બાદ હુમલાખોર રસ્તા પર ફરી રહેલો દેખાતો હતો: આ ઘટનાથી વિસ્તારમાં તણાવ સર્જાયો

નવી દિલ્હી :  અમેરિકાના સંરક્ષણ વિભાગની ઇમારત પેન્ટાગોનમાં લોકડાઉન કરી દેવાયું છે, પેન્ટાગોનની બહાર મોટો ગોળીબાર થતા આ નિર્ણય લેવાયો છે કોઈને બહાર જવાની મંજૂરી નથી
  . અહેવાલો અનુસાર, નજીકના ટ્રાન્ઝિટ હબમાં ગોળીબારના અવાજ સંભળાયા હતા. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઓછામાં ઓછા બે લોકો ઘાયલ થયા છે. અહેવાલ છે કે હુમલાખોર હજુ પણ સક્રિય છે. આ ઘટનાથી વિસ્તારમાં તણાવ સર્જાયો છે અને લોકોને દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. 
   આ ઘટના મેટ્રો બસ પ્લેટફોર્મ પર બની છે. આ પેન્ટાગોનનું મોટું પ્રવેશદ્વાર છે, જ્યાંથી હજારો લોકો આવે છે. પેન્ટાગોન ફોર્સ પ્રોટેક્શન એજન્સીના પ્રવક્તા ક્રિસ લેહમેને કહ્યું કે આ વિસ્તાર સુરક્ષિત નથી અને લોકોએ દૂર રહેવું જોઈએ. જો કે, તેણે ગોળીબારની પુષ્ટિ કરી નથી અને કોઈ ઇજાની પુષ્ટિ કરી નથી.

 પેન્ટાગોન અમેરિકાના સંરક્ષણ વિભાગનું હેડ ક્વાર્ટર છે અને વિશ્વમાં સૌથી સુરક્ષિત જગ્યા ગણાય છે. આ દુનિયાની સૌથી મોટી ઈમારત ગણાય છે જે લગભગ 29 એકરમાં ફેલાયેલી છે. ઉત્તરથી શરૂ થઈને ઘડિયાળ કાંટાની જેમ પાંચ એન્ટ્રીના રસ્તાઓ છે. 1) ધ મૉલ ટેરેસ, 2) રિવર ટેરેસ, 3) ધ કોન્કોર્સ (અથવા મેટ્રો સ્ટેશન), 4) ધ સાઉથ પાર્કિંગ અને 4) ધ હેલિપોર્ટ. આ ઇમારતનું નિર્માણ બીજા વિશ્વ યુદ્ધના સમયમાં શરૂ થઈને 15 જાન્યુઆરી 1943 સુધી ચાલ્યું હતું. આ નિર્માણમાં 8 કરોડ 30 લાખ ડોલરનો ખર્ચ થયો હતો.

 

યુએસ મિલિટરી હેડક્વાર્ટરની બહાર કેટલાક લોકો ઘાયલ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એજન્સીના પત્રકારોએ પોલીસને 'શૂટર્સ' વિશે બોલતા સાંભળ્યા છે પરંતુ ગોળીબારની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર પેન્ટાગોન બહારના મેટ્રો સ્ટેશન નજીક અંધાધૂંધ ગોળીબાર કર્યા બાદ હુમલાખોર રસ્તા પર ફરી રહેલો દેખાતો હતો.

(10:01 pm IST)