મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

કોરોના કેસના કારણે લોકડાઉનથી કંટાળેલા લોકો દ્વારા ઓસ્ટ્રેલીયાના સિડનીમાં ઉગ્ર વિરોધઃ જર્મનીના પાટનગર બર્લિનમાં ૬૦૦ની અટકાયતઃ આર્મી બોલાવવી પડી

લોકડાઉન છતાં ૩૫૦૦થી વધુ કેસ આવતા નિયંત્રણો લંબાવતા રોષ

વિશ્વના વિવિધ દેશોમાં કોરોના મહામારીના નિયંત્રણો સામે પ્રજાનો વિરોધ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. તેવામાં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ઉગ્ર થતાં વિરોધને શાંત કરવા માટે આર્મી ઉતારવી પડી છે તો જર્મનીના પાટનગર બર્લિન શહેરમાં 600 દેખાવકારોની અટક કરવામાં આવી છે. ઇઝરાયલમાં જ્યાં સૌથી વધારે રસીકરણ કરવામાં આવ્યું છે ત્યાં પણ હજારો લોકોએ તેલ અવિવમાં કોરોના નિયંત્રણો સામે દેખાવો કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં છેલ્લા પાંચ સપ્તાહથી લોકડાઉન લાગુ હોવા છતાં છેલ્લા 24 કલાકમાં ત્યાં કોરોનાના નવા 207 કેસો નોંધાવાને પગલે સરકારે શહેરમાં કોરોના મહામારીના સંક્રમણને નિયંત્રિત કરવા માટે લશ્કરને તહેનાત કરી દીધું છે.

હાલ 300 સૈનિકોને સિડનીમાં તહેનાત કરવામાં આવ્યા છે જે ઘરે ઘરે જઇને પોઝિટિવ લોકો પાસે આઇસોલેશનના નિયમોનું પાલન કરાવી રહ્યા છે. જુન મહિના પછી લોકડાઉન હોવા છતાં સિડની શહેરમાં કોરોનાના 3500થી વધારે કેસો નોંધાયા છે.ક્વિન્સલેન્ડ રાજ્યમાં આવેલા બ્રિસ્બેન શહેરમાં કોરોનાના નવા તેર કેસ નોંધાવાને પગલે નિયંત્રણોને હવે રવિવાર સુધી લંબાવી દેવામાં આવ્યા છે.

દરમ્યાન જર્મનીના પાટનગર બર્લિન શહેરમાં લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ હોવા છતાં જર્મન સરકારના કોરોના નિયંત્રણોનો વિરોધ કરવા માટે હજારો લોકો શેરીઓમાં ઉતરી પડતાં પોલીસો અને દેખાવકારો વચ્ચે ઠેરઠેર અથડામણો થઇ હતી. પોલીસે 600 દેખાવકારોની અટક કરી હતી.

સ્ટુટગાર્ટમાં સ્થાનિક અધિકારીઓએ ક્યુરડેન્કર આંદોલનને દબાવી દીધું હતું પણ બર્લિનમાં રવિવારે દેખાવકારો શેરીઓમાં ઉતરી પડતાં પોલીસે બે હજાર અધિકારીઓને તહેનાત કર્યા હતા. પોલીસોએ ભીડને વિખેરવા માટે ઇરીટન્ટસ તથા લાઠીચાર્જ પણ કર્યો હતો. ફ્રાન્સમાં સતત ત્રીજા વીકએન્ડમાં બે લાખ કરતાં વધારે લોકો કોરોના રસીકરણ લાદવા સામે વિરોધ કરવા મેદાને પડયા હતા.

ઇઝરાયલમાં પણ કોરોનાના નવા કેસોમાં તથા હોસ્પિટલાઇઝેશનમાં વધારો થવાને પગલે હજારો ઇઝરાયલીઓએ કોરોના નિયંત્રણો સામે તેલ અવિવમાં દેખાવો કર્યા હતા. ઇઝરાયલમાં કોરોનાના બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવા છતાં કોરોનાના નવા કેસો વધી રહ્યા હોવાને કારણે ઇઝરાયલીઓએ સરકાર સામે દેખાવો કર્યા હતા.

યુકેમાં યુએસ અને યુરોપના બંને રસી લેનારા પ્રવાસીઓને આવકારવા માટે તેમની સરહદો ખૂલ્લી મુકવામાં આવી છે. પ્રવાસન ઉદ્યોગે સરકારને નિયંત્રણ હજી હળવા કરવા માટે વિનંતી કરી હતી. બ્રિટને તેની ટ્રાફિક લાઇટ સિસ્ટમમાં ઓરેન્જ લાઇટનો ઉમેરો કર્યો છે જેમાં સમાવિષ્ટ લોકોને દેશમાં દસ દિવસના સેલ્ફ આઇસોલેશન સિવાય પ્રવેશવા દેવામાં આવશે.

(5:23 pm IST)