મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

મોટી પાનેલીમાં આવેલું છે ઝીણાનું મકાન

પાકિસ્તાનના સર્જક મહમદ અલી ઝીણાનું ઘર એટલે કે ઝીણાના પૈતૃક વતન મોટી પાનેલીમાં ઘર આવેલું છે, તેની મુલાકાતે ભાગ્યે જ કોઇ જવાનું પસંદ કરે છે. મૂળ ગોંડલ સ્ટેટના અને હાલ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું મોટી પાનેલી ગામ ઝીણાનું માદરે વતન છે. અહીં ઝીણાનું પૈતૃક ઘર આવેલું છે પરંતુ એ નથી તો કોઇ સ્મારક કે નથી તો કોઇ તેના મુલાકાતી. ઐતિહાસિક નાતો ધરાવતા આ મકાનનું કોઇ લેવાલ પણ નથી કે કોઇ તેના ભાવ પણ પૂછતું નથી.

મોહમ્મદ અલી ઝીણાએ મોટી પાનેલી ગામમાં તેમનું બાળપણ વીતાવ્યું હતું. અહીં તેણે અભ્યાસ કર્યો હતો. આ પછી બેરિસ્ટર થવા માટે વિલાયત ગયા હતા. હિન્દુસ્તાનના ભાગલા પડયા એ પૂર્વે ૨૬ જાન્યુઆરી ૧૯૪૦ના રોજ તેઓ મોટી પાનેલીની મુલાકાતે આવ્યા હતા. આ સમયે તેમણે સ્કૂલની વિઝિટ બુકમાં લખ્યું હતું કે, 'હું પાનેલી આવ્યો.. આ મારા વડવાઓનું ઘર છે અને શાળા જોઇને મને બહુ આનંદ થયો.' ઝીણાનું બે માળ ધરાવતું પૈતૃક ઘર મોટી પાનેલીમાં ટાવરવાળી શેરીમાં હતું. તેમાં બે રૂમ રસોડું, કોઠાર ખંડ અને ફળિયું આવેલા હતા.

(11:41 am IST)