મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

૨૪ કલાકમાં કોરોનાથી ૪૨૨ લોકોનાં મોતઃ ૩૦,૫૪૯ નવા કેસઃ કેરળની સ્‍થિતિ ચિંતાજનક

છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૧૩,૯૮૪ નવા કેસ નોંધાયા છેઃ જેની સામે ૧૫,૯૨૩ લોકો સાજા થયા છે કોરોનાથી ૧૧૮ લોકોનાં મોત થયા

નવી દિલ્‍હી, તા.૩: કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે મંગળવારે સવારે કોરોનાના નવા આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦,૫૪૯ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૩૮,૮૮૭ લોકો સાજા થયા છે. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૪૨૨ લોકોનાં મોત થયા છે. દેશમાં હાલ મોતની ટકાવારી ૧.૩ ટકા છે. જયારે સાજા થવાનો દર ૯૭.૪ ટકા છે. નવા આંકડા જાહેર થયા બાદ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્‍યા ૩ કરોડ ૧૭ લાખ ૨૬ હજાર અને ૫૦૭ થઈ છે. આ સાથે જ દેશમાં સાજા થનારા લોકોની સંખ્‍યા ૩ કરોડ ૦૮ લાખ ૯૬ હજાર ૩૫૪ થઈ છે. દેશમાં કોરોનાથી કુલ ૪ લાખ ૨૫ હજાર ૧૯૫ લોકોનાં મોત થયા છે.

કોરોનાની વેક્‍સીનની વાત કરવામાં આવે તો અત્‍યારસુધી દેશમાં કુલ ૪૭ કરોડ ૧૨ લાખ ૯૪ હજાર ૭૮૯ લોકોને વેક્‍સીન આપવામાં આવી ચૂકી છે. બીજી ઓગસ્‍ટના રોજ દેશમાં ૧૬ લાખ ૪૯ હજાર ૨૯૫ લોકોને કોરોના વેક્‍સીન આપવામાં આવી ચૂકી છે.

દેશમાં કોરોનાને કારણે કેરળની સ્‍થિતિ ખરાબ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૧૩,૯૮૪ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૧૫,૯૨૩ લોકો સાજા થયા છે. કેરળમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૧૧૮ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૯૦ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૬૯ નવા કેસ નોંધાયા છે, જેની સામે ૮૪૨૯ લોકો સાજા થયા છે. ઓડિશામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૬૭ લોકોનાં મોત થયા છે. અહીં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૩૨ કેસ નોંધાયા છે.

(11:06 am IST)