મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

ત્રણ દિવસ પહેલા જ નિવૃત થયેલ પોલીસ કમિશ્નરને ઈડીએ લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું :

પોલીસ કમિશ્નરને 5 જુલાઈએ પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું: સંજય પાંડેને શિવસેનાનો સમર્થન હોવાનો આક્ષેપ કરાયો

મુંબઈ તા.03 : મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર સંજય પાંડે હજુ ત્રણ દિવસ પહેલા જ પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા છે. ત્યાં ED એ મની લોન્ડરિંગનાં કેસમાં સંજય પાંડેને સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસ કમિશનર તરીકેનો તેમનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો હતો. ત્યારે પૂછપરછ માટે 5 જુલાઈએ સંજય પાંડેને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

સંજય પાંડે 30 જૂને નિવૃત્ત થયા હતા અને ત્રણ દિવસ પછી જ ED દ્વારા તેમને સમન્સ મોકલવામાં આવ્યું છે. સંજય પાંડે જ્યારે રાજ્યના ડીજીપી હતા ત્યારે તેમણે મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંહ પર પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કેસને હળવો કરવા દબાણ કર્યું હતું. જેને લઈ તેમને NSE સર્વર કોમ્પ્રોમાઈઝ કેસમાં પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે. ચિત્રા રામકૃષ્ણ કેસમાં ઓડિટ કંપની બનાવવામાં આવી હતી. આ કંપની સંજય પાંડેની માલિકીની હતી. આ બંને કેસમાં સંજય પાંડેને EDએ નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે.

IIT કાનપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સના સ્નાતક સંજય પાંડેને 2015માં હોમગાર્ડના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેઓ તેમની નિમણૂકથી ખુશ ન હતા. જે બાદ તેઓ ડાયરેક્ટર જનરલ પણ બન્યા હતા. જે સમયે પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી કાર મૂકવાનો મામલો સામે આવ્યો ત્યારે પરમબીર સિંહ મુંબઈના પોલીસ કમિશનર હતા. સંજય પાંડેને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા ટીમમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ સિનિયર હોવા છતાં વારંવાર સાઇડ પોસ્ટિંગના કારણે તેઓ અસંતુષ્ટ હતા.

 

9 એપ્રિલે તેમને મહારાષ્ટ્રના ડીજીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. જ્યારે એન્ટિલિયા કેસને યોગ્ય રીતે ન સંભાળવા બદલ પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ દ્વારા પરમબીર સિંહને હટાવવામાં આવ્યા તો પરમબીર સિંહે અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો, જેની તપાસ હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈને સોંપવામાં આવી.

આ પછી હેમંત નાગરલેને મુંબઈ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. પરંતુ શિવસેનાના સાંસદ સંજય રાઉત હેમંત નાગરાલેથી નારાજ હતા. શિવસેનાને તેમની પાસેથી અપેક્ષા હતી કે જે રીતે કેન્દ્રીય તપાસ એજન્સીઓ એમવીએ સરકારના લોકો સામે કાર્યવાહી કરી રહી છે, તેવી જ રીતે નાગરાલેએ પણ ભાજપના નેતાઓ સામે પોલીસ કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ નાગરાલે આ કામમાં ઠાકરે સરકારને સાથ આપી શક્યા ન હતા.

આ પછી સંજય પાંડેને મુંબઈ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે તેમણે શિવસેનાના ટોચના નેતૃત્વને વચન આપ્યું હતું કે તેઓ તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. એવું થયું પણ ખરૂ. દેવેન્દ્ર ફડણવીસથી લઈને કિરીટ સોમૈયા સુધીના ભાજપના નેતાઓએ તેમના પર ઠાકરે સરકારના ઈશારે પોલીસ લાઠીનો ઉપયોગ કરીને પક્ષપાતી કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો.

(11:05 pm IST)