મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

જમ્મુ-કાશ્મીરમાં ગ્રામજનોએ લશ્કરના બે વોન્ટેડ આતંકવાદીઓને પકડ્યા : એલજી મનોજસિંહા દ્વારા 5 લાખના ઈનામની જાહેરાત

કેન્દ્રશાસિત પ્રદેશ સરકારે આતંકવાદીઓ અને આતંકવાદ વિરુદ્ધ તેમના બહાદુરીપૂર્ણ કાર્ય માટે ગ્રામવાસીઓને 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ગ્રામીણોએ લશ્કર-એ-તૈયબાના બે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને પકડ્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બંને આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. એકનું નામ ફૈઝલ અહેમદ ડાર છે, જે પુલવામાનો રહેવાસી છે. ફૈઝલના પિતાનું નામ બશીર અહેમદ ડાર છે જ્યારે અન્ય આતંકવાદીની ઓળખ તાલિબ હુસૈન શાહ તરીકે થઈ છે. તાલિબના પિતાનું નામ હૈદર શાહ છે, જે રાજોરીના રહેવાસી છે. આતંકીઓ પાસેથી બે એકે-47 રાઈફલ, 7 ગ્રેનેડ, 1 પિસ્તોલ અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘આજ તકસાન ગામના ગ્રામજનોએ લશ્કર-એ-તૈયબાના બે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને પકડવામાં અપાર હિંમત બતાવી હતી. ત્યારપછી ઘટનાસ્થળે આવેલી પોલીસે બંને આતંકીઓની ધરપકડ કરી હતી.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ગ્રામજનોની બહાદુરીને સલામ કરી હતી. આ સાથે 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘હું ટકસાનના ગ્રામવાસીઓની બહાદુરીને સલામ કરું છું, જેમણે લશ્કરના બે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને પકડ્યા છે. સામાન્ય માણસનો આવો સંકલ્પ દર્શાવે છે કે, આતંકવાદ ટૂંક સમયમાં ખતમ થવાનો છે. કેન્દ્રશાસિત પ્રદેશ સરકારે આતંકવાદીઓ અને આતંકવાદ વિરુદ્ધ તેમના બહાદુરીપૂર્ણ કાર્ય માટે ગ્રામવાસીઓને 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.

(8:51 pm IST)