મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

ઉત્તરખંડના રૂડકીના ગંગનહર પોલીસ મથક વિસ્‍તારમાં આર્મીના જવાન અને પોલીસ વચ્‍ચે મારામારી : આર્મીની ટ્રક પોલીસ સબ ઇન્‍સ્‍પેકટરની ગાડી સાથે અથડાતા બબાલ

લોકોએ આર્મીના જવાનોના પક્ષમાં નારા લગાવ્‍યા

નવી દિલ્‍હી : ઉત્તરાખંડમાં પોલીસ અને આર્મી વચ્‍ચે મારમારી થઇ હતી. આર્મીની ગાડી અને પોલીસની ગાડી અથડાતા બબાલ થઇ હતી.

ઉત્તરાખંડના રૂડકીના ગંગનહર પોલીસ મથક વિસ્તારમાં દેહરાદૂન રૂડકી માર્ગ પર આર્મીના જવાન અને પોલીસ વચ્ચે તે સમયે મારામારી થઇ ગઇ હતી, જ્યારે આર્મીની ટ્રક પોલીસ સબ ઇન્સપેક્ટરની ગાડી સાથે અથડાઇ હતી. આ વાતને લઇને પોલીસ અને આર્મીના જવાનો વચ્ચે બોલચાલ થઇ ગઇ હતી. જોત જોતામાં લોકો એકઠા થઇ ગયા. તે દરમિયાન લોકોની ભીડ આર્મીના જવાનોના પક્ષમાં નારા લગાવવા લાગી, જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ, આર્મીની ગાડીને રોકીને ઉભા હતા.

આ દરમિયાન સબ ઇન્સપેક્ટર અને આર્મીના જવાનો વચ્ચે ધક્કા મુક્કી પણ થઇ હતી. આ મુદ્દે સ્થાનિક પોલીસને સૂચના આપવામાં આવી, પણ જ્યાર સુધી પોલીસ ઘટના સ્થળ પર પહોંચે એ પહેલા તો આર્મીની ટ્રકને ત્યાંથી લોકોએ ભગાવી દીધી હતી.

જાણકારી અનુસાર, ભગવાનપુર પોલીસમથકમાં તૈનાત સબ ઇન્સ્પેક્ટર અનિલ સિંહ બિષ્ટ પોતાની ખાનગી કાર દ્વારા રૂડકીથી ભગવાનપુર ફરી રહ્યા હતા. જેવી તેમની કાર રામનગરની પાસે પહોંચી તો પાછળથી આવી રહેલી આર્મીની ટ્રકની સાઇડ લાગી ગઇ, જેનાથી સબ ઇન્સ્પેક્ટરની ગાડી ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. પોલીસે આર્મીની ગાડીને રોકી અને કાર્યવાહી કરવાની વાત કહી, જે બાદ આર્મીના જવાનો અને પોલીસ વચ્ચે બોલચાલ શરૂ થઇ ગઇ. સાથે જ ધક્કા મુક્કી પણ થઇ અને વાત મારામારી સુધી પણ પહોંચી હતી. આ ઘટનાને જોવા માટે ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા.

ત્યાં હાજર લોકોની ભીડ આર્મીના પક્ષમાં ઉતરી આવી અને ઇન્ડિયન આર્મી ઝિંદાબાદ અને ભારત માતા કી જયના નારા લગાવતા તેમણે આર્મીની ગાડીને ત્યાંથી ભગાડી દીધી. આ મુદ્દે સબ ઇન્સ્પેક્ટર અનિલ બિષ્ટે કહ્યું કે, તેઓ રૂડકી કોર્ટથી રિમાંડ લઇને ભગવાનપુર પોલીસમથક જઇ રહ્યા હતા. આ દરમિયાન ગાડીમાં આર્મીની ગાડીએ પાછળથી ટક્કર મારી દીધી હતી, જ્યારે તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેમણે દુર્વ્યવહાર કર્યો. ભીડે પણ આર્મીની ટ્રકને ભગાવવાનું કામ કર્યું. કેસની સૂચના ઉચ્ચાધિકારીઓને મળી, તેમની વિરૂદ્ધમાં કેસ નોંધવામાં આવ્યો.

 

(2:30 pm IST)