મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

કેન્‍દ્ર સરકારે કૃષિ કાયદા પરત ખેંચી લીધા બાદ હવે ખેડૂતો ફરી નવ઼ુ આંદોલન કરવા રણનીતિ ઘડી રહ્યા છે ? ભારે ચર્ચા

નિવૃત્ત શિક્ષક બચિત્તર કોરઅે કહ્યુ કે હું વિરોધ કરતા મરી જઇશ પરંતુ આ કાયદા લાગુ થવા નહીં દઉં

નવી દિલ્‍હી  : કેન્‍દ્ર સરકારે કૃષિ કાયદા પરત ખેંચી લીધાના ૭ મહિના પછી પણ તેનું ભૂત ફરી ઘુણ્‍યુ છે અને આંદોલન ફરી કરવા રણનીતિ ઘડાતી હોવાની ચર્ચાઅે જોર પકડયું છે.

ઉત્તર ભારતના પંજાબ રાજ્યમાં બચિત્તરકોર અને તેમના ગામનાં અન્ય મહિલાઓએ કહ્યું કે પ્રથમ ખેડૂત આંદોલન વખતે તેમનામાં ભય, ગુસ્સો અને ઘણી બધી અનિશ્ચિતતા હતાં.

2020માં કેન્દ્ર સરકારે પસાર કરેલા નવા કૃષિકાયદાના વિરોધમાં હજારો ખેડૂતો સાથે તેમણે રાજધાની દિલ્હીની સરહદો પર આંદોલન છેડ્યું હતું.

આંદોલનકારીઓ એક વર્ષ સુધી દિલ્હીની સરહદે બેસી રહ્યા હતા અને ઉનાળાની આકરી ગરમી, શિયાળાની કડકડતી ઠંડી અને કોવિડની ઘાતક બીજી લહેર... આ તમામ અવરોધો સામે બહાદુરીપૂર્વક લડ્યા હતા.

બચિત્તરકોર કહે છે, "મેં મારા મિત્રો અને સંબંધીઓને કહ્યું હતું કે હું વિરોધ કરતાં મરી જઈશ, પરંતુ આ કૃષિકાયદાઓ લાગુ થવા દઈશ નહીં."

નિવૃત્ત શિક્ષક બચિત્તર કહે છે કે ઘરની શીળી છાંયડી છોડીને ટ્રેક્ટરની ટ્રોલીમાં શેરીઓમાં રહેવું સરળ નહોતું. "પરંતુ અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો, એ કૃષિકાયદાઓ અમારા માટે પ્રાણઘાતક હતા."

મહિનાઓ સુધી સરકાર કહેતી રહી કે કાયદા ખેડૂતો માટે સારા છે અને તેમને પાછા ખેંચવાનો કોઈ પ્રશ્ન જ નથી.

અધિકારીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે મંત્રણાના ઘણા રાઉન્ડ બાદ પણ મડાગાંઠ ન ઉકેલાઈ. સરકાર દ્વારા પ્રદર્શનો પર રોક લગાવવામાં આવતાં કેટલાય ખેડૂતોનાં મોત થયાં અને ઘણાની ધરપકડ કરવામાં આવી.

પરંતુ 19 નવેમ્બરના રોજ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક યૂ-ટર્ન લઈને કૃષિકાયદાને રદ કરવાની જાહેરાત કરી ત્યારે મોરચો સંકેલાયો. કૃષિકાયદા પાછા ખેંચવા 30 નવેમ્બરે સંસદમાં સત્તાવાર રીતે બિલ પસાર કરવામાં આવ્યું હતું.

(2:26 pm IST)