મુખ્ય સમાચાર
News of Friday, 3rd July 2020

લેહથી મોદીનો ચીન - પાક.ને સખ્ત સંદેશ

ચીનને ખદેડવા માટે ભારત કટિબધ્ધ : દરેક હરકતનો જવાબ આપવા ભારત તૈયાર

નવી દિલ્હી તા. ૩ : લદ્દાખમાં ચાલી રહેલી 'કરો યા મરો'ની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચીનને મોટો સંદેશ આપતા અચાનક સીધા અગ્રિમ મોરચા પર પહોંચ્યા છે. પીએમ મોદી આજે વહેલી સવારે લગભગ ૧૧ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા નીમૂ બેઝ પર પહોંચ્યા છે. તેમણે સેના અને આઈટીબીપીનાં જવાનોની સાથે મુલાકાત કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો. આ દરમિયાન પીએમ મોદીની સાથે સીડીએસ બિપિન રાવત અને સેના પ્રમુખ પણ હાજર હતા. તણાવની વચ્ચે વડાપ્રધાને પોતાના આ પ્રવાસથી ચીનને એ જણાવી દીધું કે તે ખુદ વાસ્તવિક નિયંત્રણ રેખાની રક્ષા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ઘ છે.

પીએમ મોદીએ પોતાના આ પ્રવાસની સાથે જ ચીનને સખ્ત સંદેશ આપી દીધો છે કે તે ચીની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વડાપ્રધાન મોદીએ એ પણ સંદેશ આપી દીધો છે કે ચીનની ઈંચ-ઈંચ આગળ વધવાની ચાલ સાઉથ ચાઇના સીમાં ચાલશે, પરંતુ ભારતની સામે તેની દાળ ગળવાની નથી. ભારત ચીનને પાછળ ધકેલવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

તેમણે ચીનને એ પણ જણાવી દીધું કે ડ્રેગન જયાં પોતાના સૈનિકોની સંખ્યા છુપાવી રહ્યું છે, ત્યાં સંકટનાં આ સમયમાં સેનાની સાથે ના ફકત તેઓ પરંતુ આખો દેશ ઉભો છે. પીએમ મોદીએ જવાનોને એ પણ સંદેશ આપ્યો કે ચીનની સાથે ચાલી રહેલો તણાવ લાંબો ચાલી શકે છે અને તેમણે લાંબી લડાઈ માટે તૈયાર રહેવું પડશે. વડાપ્રધાને ચીનને એ પણ જણાવી દીધું છે કે તેઓ ડ્રેગન સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ કોઈપણ આક્રમક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

રક્ષા મુદ્દાઓનાં નિષ્ણાત બ્રહ્મા ચેલાનીનું કહેવું છે કે લદ્દાખ જઇને વડાપ્રધાને સારૃં કામ કર્યું છે. તેમણે કહ્યું કે, 'પીએમ મોદીએ લદ્દાખનાં મોરચે જઇને સારું કર્યું. આ યાત્રા દ્વારા ભારતે ચીનને એ સંદેશ આપ્યો છે કે તે ચીનને પાછું ખદેડવા માટે દ્રઢ રીતે તૈયાર છે.'

ઉલ્લેખનીય છે ૫ મેનાં બંને દેશોની સેના વચ્ચે ઘર્ષણ બાદ આ કોઈ મોટા નેતાનો પહેલો લદ્દાખ પ્રવાસ છે. તાજેતરમાં જ સેના પ્રમુખ જનરલ નરવણે લદ્દાખનાં પ્રવાસેથી પરત આવ્યા છે.(૨૧.૨૩)

અગાઉ પણ વડાપ્રધાને જવાનોને આપેલી છે સરપ્રાઇઝ

ગયા વર્ષે રાજૌરી જિલ્લામાં એલઓસી પર તૈનાત જવાનોની સાથે દિવાળી ઉજવી

---------

નવેમ્બર ૨૦૧૮માં દિવાળીના પ્રસંગે ઉત્તરાખંડના હારસિલમાં જવાનોને મળવા પહોંચ્યા હતા

---------

૨૦૧૭માં પણ વડાપ્રધાને એલઓસી પર ગુરેજ સેકટરમાં તૈનાત જવાનોને મળવા પહોંચ્યા હતા

---------

૨૦૧૬માં ભારત - ચીન સરહદ પર તૈનાત જવાનોને વડાપ્રધાને દિવાળીના મોકા પર સરપ્રાઇઝ આપી હતી

(3:45 pm IST)