મુખ્ય સમાચાર
News of Friday, 3rd July 2020

પરિક્ષણની કસોટી પર ખરી ઉતરી રસી

કોરોના સામેના જંગમાં મોટી સફળતા મળી

લંડન તા. ૩ : કોરોના સંક્રમણ વિરૂધ્ધના જંગમાં મોટી સફળતા હાથમાં આવી છે. પ્રખ્યાત દવા બનાવતી કંપની ફાઇઝર પોતાના જર્મન ભાગીદાર બાયો એનટેક સાથે મળીને જે પ્રાયોગીક રસીની ટ્રાયલમાં લાગી છે તેનાથી તે લેનારાઓમાં પુરતા પ્રમાણમાં સાર્સ-કોવ-૨ વાયરસ સામે લડનાર એન્ટીબોડી ઉત્પન્ન કરવા શકય બન્યા છે.

ટ્રાયલ દરમિયાન રિસર્ચરોએ ૪૫ વ્યકિતઓને ૪ અલગ-અલગ જૂથમાં વહેંચ્યા હતા. પહેલા, બીજા અને ત્રીજા જૂથમાં સામેલ લોકોને ક્રમશઃ ઓછી (૧૦ માઇક્રોગ્રામ), મધ્યમ (૩૦ માઇક્રોગ્રામ) અને વધારે ૧૦૦ (માઇક્રોગ્રામ) માત્રામાં ત્રણ સપ્તાહના અંતરાવ બે વાર રસી મુકાઇ હતી. ચોથા ગ્રુપને ઇન્જેકશન દ્વારા ગ્લુકોઝ ચડાવાયો હતો.

તે દરમિયાન રસીનો ઓછો અને મધ્યમ ડોઝ મેળવનાર લોકોમાં કોરોના સંક્રમણથી સાજા થનાર દર્દીઓ કરતા ઘણુ વધારે સુરક્ષા કવચ વિકસીત થતું જોવા મળ્યું. વાયરસના સંપર્કમાં આવવાથી આ સ્વયંસેવકોમાં શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો તો દેખાયા પણ તે એટલા ગંભીર નહોતા કે હોસ્પિટલમાં દાખલ થવું પડે. એક દિવસમાં જ તે દર્દીઓ સાજા થઇ ગયા.

ફાઇઝરના મુખ્ય રિસર્ચ અધિકારી ફિલીપ ડોર્મિત્ઝરે જણાવ્યું કે, આ રસી સાર્સ કોવ-૨ વાયરસને ઓળખવા માટે તેના જેનેટીક કોડનો ઉપયોગ કરે છે. તેના લીધે વાયરસ જ્યારે શરીર પર હુમલો કરે ત્યારે પ્રતિરક્ષા તંત્ર તેને ખતમ કરવા માટે સક્ષમ એન્ટી બોડી બનાવવા લાગે છે અને ગંભીર લક્ષણો ઉત્પન્ન નથી થવા દેતું. ડોર્મિત્ઝરે દાવો કર્યો કે રસીકરણથી પ્રતિભાગીઓમાં કોરોના વિરોધી એન્ટી બોડી તો ઉત્પન્ન થયા જ પણ કોરોના વાયરસની સ્વસ્થ કોષો પર હુમલો કરવાની શકિત પણ ઘટી ગઇ.

(11:25 am IST)