મુખ્ય સમાચાર
News of Friday, 3rd July 2020

કોરોના બિહામણો બનશે

૨૨ જુલાઈ સુધીમાં દેશમાં હશે ૧૦ લાખથી વધારે દર્દીઓ

કેસ વધવાનું ગાણિતીક અનુમાન સાચુ પડી રહ્યુ છે

નવી દિલ્હીઃ. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે. તે અંગેના ગાણિતીક અનુમાનો સાચા પણ પડી રહ્યા છે. બે અઠવાડીયા પહેલા કરાયેલ આવા જ અંદાજમાં જણાવાયુ હતુ કે બે જુલાઈ સુધીમાં દેશમાં દર્દીઓની સંખ્યા ૬ લાખથી વધી જશે. જેની પુષ્ટી ગઈકાલે આરોગ્ય મંત્રાલયે કરી છે.

હવે આ ડેટા જોઈને નિષ્ણાંતો અનુમાન લગાવી રહ્યા છે કે આગામી ૨૨ જુલાઈ સુધીમાં દેશમાં દર્દીઓની સંખ્યા ૧૦ લાખથી પણ વધી જશે. આના માટેનું મુખ્ય કારણ સંક્રમણનો ડબલીંગ રેટ જણાવાઈ રહ્યુ છે. ૧ જૂનથી લોકડાઉન હટયા પછી ડબલીંગ રેટમાં બહુ વધારે ફેરફાર નથી જોવા મળ્યો.

જૂનના ત્રીજા સપ્તાહમાં આ દર ૨૧ દિવસથી ઘટીને ૧૯ દિવસ થઈ ગયો હતો. હવે લગભગ બે અઠવાડીયા પછી પાછો આ દર ૨૦ દિવસ પર આવી ગયો છે. આનો અર્થ એ કે દર ૨૦ દિવસે કોરોના પેશન્ટોની સંખ્યા બમણી થતી જાય છે. જો તેમાં મોટો ફેરફાર નહીં થાય તો જુલાઈના ત્રીજા સપ્તાહમાં દેશમાં ૧૦ લાખથી વધારે પેશન્ટો જોવા મળી શકે છે.

કોરોનાને દેશમાં આવ્યે પાંચ મહિના પુરા થઈ ચૂકયા છે. જૂનમાં પહેલીવાર લગભગ ૩.૬૦ લાખ નવા કેસ જોવા મળ્યા હતા. નિષ્ણાંતો શરૂઆતથી જુલાઈમાં કોરોના પીક આવવાની શંકાઓ વ્યકત કરી રહ્યા છે. હવે આ પીક આ મહિનાના આખર સુધીમાં પાંચ લાખથી વધારે કેસના રૂપમાં જોવા મળી શકે છે.

(11:24 am IST)