મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd July 2019

પાકિસ્તાનમાં અઘોષિત કટોકટી?

પાક ચેનલ પર ઝરદારીનો ઇન્ટરવ્યૂ અટકાવાયો

ઇસ્લામાબાદ, તા.૩: પાકિસ્તાનની સમાચારની એક અગ્રણી ચેનલને જેલમાંના ભૂતપૂર્વ પ્રમુખ આસિફ અલી ઝરદારીનો ઇન્ટરવ્યૂ પ્રસારિત કરતા અટકાવવામાં આવતા અહીંના પત્રકારોએ ઇમરાન ખાનની સરકાર અખબારો અને પ્રસારમાધ્યમોની સ્વતંત્રતા દબાવવા પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

ભ્રષ્ટાચારના અનેક કેસના સંબંધમાં પાકિસ્તાનના નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરોની કસ્ટડીમાં રખાયેલા ૬૩ વર્ષીય આસિફ અલી ઝરદારીએ જિયો ન્યૂસના પત્રકાર હમીદ મીરને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાના સચિવાલયે ઝરદારીને સંસદના સત્રમાં હાજર રહેવા પરવાનગી આપી હતી ત્યારે આ ઇન્ટરવ્યૂ લેવાયો હતો. મીરે દરરોજ રાતની જેમ સોમવારે રાતે ૮ વાગ્યે પોતાનો કેપિટલ ટોક શો શરૂ કર્યો હતો અને તેમાં ઝરદારીના ઇન્ટરવ્યૂના પ્રસારણનો પ્રારંભ કરાયો હતો, પરંતુ પાંચ મિનિટમાં જ તે અટકાવી દેવાયો હતો અને અન્ય સમાચાર બતાવવાનું શરૂ કરાયું હતું.

મીરે ટ્વિટર પર લખ્યું હતું કે જિયો ન્યૂસ પરનો ઝરદારીનો ઇન્ટરવ્યૂ કોણે અટકાવ્યો હશે એ સમજી શકાય છે. આપણે સ્વતંત્ર દેશમાં નથી રહેતા.

મીર અને અન્ય કેટલાક પત્રકારે આ પગલાંને સેન્સરશિપ ગણાવી હતી.

દરમિયાન, પત્રકાર રૌફ કલાસરાએ ટ્વીટ કર્યું હતું કે કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ, કૌભાંડ અને બનાવટી ખાતાંને લગતા કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપીને કોઇપણ જગ્યાએ સંસદના સત્રમાં ભાગ લેવાની અને પોતાનો બચાવ કરતો એક કલાકનો ઇન્ટરવ્યૂ આપવાની પરવાનગી નથી અપાતી.

(1:12 pm IST)