મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd July 2019

ભારે વરસાદના કારણે રત્નાગિરીમાં ડેમ તૂટયોઃ છના મોતઃ ૧૭ ગુમ

ડેમ તૂટવાથી નીચાણમાં વસતા ૭ ગામોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છેઃ રેસ્કયૂ ઓપરેશન ચાલુ

પૂણે, તા.૩: મહારાષ્ટ્રના રત્નાગિરીમાં આવેલા તવરે ડેમ તૂટવાના અહેવાલ મળી રહ્યા છે. તેના કારણે નીચાણમાં વસતા ૭ ગામોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. આ ઘટનામાં લગભગ ૧૭ લોકો ગુમ થયા છે, જયારે ૬ લોકોની લાશ રેસ્કયૂ ટીમને મળી આવી છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્રએ રાહત ઓપરેશન શરૂ કરી દીધું છે. જિલ્લા વહીવટીતંત્રની રાહત ટીમે જ બે પુરુષોના શબ બહાર કાઢ્યા છે. ઘટનાસ્થળે એનડીઆરએફની ટીમને મોકલવામાં આવી છે.

સતત વરસાદના કારણે ડેમનું જળસ્તર વધી ગયું હતું. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં રવિવારથી જોરદાર વરસાદ થઈ રહી છે. રિપોર્ટ મુજબ, ડેમથી પાણી વહેવાના કારણે ડેમની પાસે બનેલા ૧૨ ઘર પૂરી રીતે વહી ગયા. આ ઘરોમાં જ રહેતા લોકો ગુમ થયા હોવાની આશંકા છે. રાહત એજન્સીઓનું કહેવું છે કે ડેમના પાણીમાં વહી ગયેલા લોકોને નિચાણવાળા વિસ્તારમાંથી મળવાની શકયતા છે. પરંતુ તેમને થયેલા નુકસાન વિશે હજુ કંઈ કહી ન શકાયફ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને કેટલીક સ્વયંસેવી સંસ્થાઓએ રાહત અને બચાવનું કામ શરૂ કરી દીધું છે.        નોંધનીય છે કે, મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારો રવિવારથી ભારે વરસાદની ઝપેટમાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડી રહેલા ધોધમાર વરસાદથી અત્યાર સુધી ૩૮ લોકોનાં મોત થયા છે અને ૭૫ લોકો ઘાયલ થયા છે. તેમાં મુંબઈ, થાણે અને પુણેમાં દીવાલ પડવાથી મરનારાઓની સંખ્યા પણ સામેલ છે. રાજય સરકારે તકેદારીના ભાગરૂપે મંગળવારે મુંબઈમાં રજા જાહેર કરી હતી.(૨૩.૬)

(11:32 am IST)