મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd June 2020

કોરોના મહામારીના કારણે હવે ઓફિસોનું ઇન્ટિરિયર બદલાશે

નિષ્ણાતો બે લોકોની વચ્ચે પાર્ટિશનની સલાહ આપે છે, જેથી ચેપ ન ફેલાય

નવી દિલ્હી, તા. ૩ : કોરોના મહામારી વચ્ચે હાલમાં સરકારી અને ખાનગી કંપનીઓની ઓફિસોમાં કર્મચારીઓ પાછા ફરવા લાગ્યા છે, પરંતુ તેમના મનમાં સ્વાસ્થ્યને લઇને ડર પણ છે. આવા સંજોગોમાં ઘણી કંપનીઓ અને મેનેજમેન્ટ તમામ સાવધાનીઓ રાખીને ઓફિીસ સ્પેસમાં બદલાવની તૈયારી કરી રહ્યા છે, જેથી કર્મચારી ડરના બદલે કામ પર ફોકસ કરે.

એકસપર્ટ જણાવે છે કે, કોરોના વાઇરસનો ડર લોકોના મનમાં ઉંડે ઉંડે સુધી ઘુસી ગયો છે અને તે હોવો પણ જોઇએ. મોટાભાગે તો કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ જ કરી રહ્યા છે. પરંતુ મને લાગે છે કે કંપનીઓ પણ ઓફીસમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડશે. કેટલાક લોકો ઘરેથી જ કામ કરશે અને કેટલાકને અલ્ટરનેટ ડે બોલાવાશે.

ઓફીસમાં અત્યાર સુધી લોકો એક જ ફલોર પર બેસતા હતા, પરંતુ હવે તો પરિસ્થિતિ બદલાશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જયાં ૧૦૦ લોકો બેસતા હતા, ત્યાં હવે ૩૦થી ૪૦ લોકો જ હાજર રહેશેે. ઓફીસના ઇન્ફ્રાસ્ટ્રકચરનમાં ડિમાર્કેશનને પણ સામેલ કરાયું છે. સુરક્ષાના માપદંડો પ્રમાણે હવે એ નક્કી કરવું જરૂરી છે કે કોણ કયાં અને કેવી રીતે બેસશે. આવા સંજોગોમાં ડિમાર્કેશન હશે તો સરળતા રહેશે. ઓફીસની સૌથી વધુ ભીડવાળી જગ્યા હોય છે. કેન્ટીન, ડાઇનિંગ એરિયા, વોશરૂમ અને કોન્ફરન્સ રૂમ ત્યાં હાઇજિન મેન્ટેન કરવું સૌથી વધુ જરૂરી છે. અહીં પણ એવા સેટિંગ કરાશે, જેથી તાજી હવા અંદર આવે અને ગંદી હવા રીસકર્યુલેટ ન થાય. ઘણી જગ્યાઓ પર બે જણ વચ્ચે પાર્ટિશન કરાવી દેવાયા છે. ફાયદો એ થશે કે લોકો વચ્ચે સરખું અંતર રહેશે અને કોઇ ખાંસે, છીંક ખાય કે બોલે તો સુરક્ષા જળવાશે.

ઓફીસોમાં હવે સેનિટાઇઝેશનનું સૌથી વધુ ધ્યાન રખાશે. તમામ જગ્યાઓ પર કર્મચારી નિયુકત કરાશે અને સુરક્ષિત અંતરનું ખાસ ધ્યાન રખાશે. ઓફીસો પહેલા કરતા વધુ સ્વચ્છ બનશે.

(4:23 pm IST)