મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd June 2020

લડાખ ભારતનો જ ભાગ છે

અત્યાર સુધી દલાઇ લામાના ભેદી મૌનથી અનેક અટકળો શરૂ થયેલ : નેપાળ બહારથી સરકાર ચલાવતા નિર્વાસિત વડાપ્રધાનની સાફ વાત

ધર્મશાલા (હિ.પ્ર.) તા. ૩ : ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં તંગદિલી ચાલી રહી છે. બંને દેશોની સેનાઓ વચ્ચે ટકરાવ પછી બંને દેશો તરફથી એલઓસી પર સૈનિકોની સંખ્યા વધારાઇ રહી છે. આ બધા વચ્ચે તિબેટના આધ્યાત્મિક ગુરૂ દલાઇ લામા અને તિબેટની નિવાર્સીત સરકારના મૌન બાબતે સવાલો ઉઠી રહ્યા હતા. હવે તિબેટની નિર્વાસીત સરકાર (તિબેટની બહાર ભારતમાં રહીને સમાંતર રીતે ચલાવાઇ રહેલી સરકાર)ના વડાપ્રધાન લોબસંગ સાંગેયએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.  તિબેટની નિર્વાસીત સરકારના વડાપ્રધાને કહ્યું કે લદ્દાખ ભારતનું અંગ છે. તેમણે કહ્યું કે અમે હંમેશાથી એવું સ્વીકારીએ છીએ કે લદ્દાખ, અરૂણાચલ પ્રદેશ અને સિક્કીમ ભારતના ભાગ છે. તેમણે પોતાના મૌન પર ઉઠી રહેલા સવાલો બાબતે કહ્યું કે, દલાઇ લામા છેલ્લા ૬૦ વર્ષથી આંતરરાષ્ટ્રીય મંચોમાં ચીન વિરૂધ્ધ બોલતા રહ્યા છે. ચીને તિબેટ પર કબ્જો કર્યા પછી અમે પણ મુશ્કેલીમાં છીએ. સાંગેયએ કહ્યું કે તિબેટ પર ચીનના કબ્જા પછી જ બંને દેશો વચ્ચે સરહદ અંગે તણાવ ઉભો થયો છે.

તેમણે કહ્યું કે, તિબેટ પર કબ્જો કર્યા પછી ચીન ત્યાં માનવાધિકારોનું સતત ઉલ્લંઘન કરતું રહ્યું છે. તેના કારણે અમે ધર્મશાલામાં રહી રહ્યા છીએ. અમારી સરહદો પહેલા સૈનિક રહિત હતી. જે ફરીથી સૈનિક રહિત કરવી જોઇએ. તિબેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ ન કરવું જોઇએ. તેમણે કહ્યું કે, ભારત કયારેય આક્રમક નથી બન્યું, તે રક્ષણાત્મક રહ્યું છે જેનો બધાને હક્ક છે.

ચીની ઉત્પાદનોના બહિષ્કાર બાબતે તેમણે કહ્યું કે, સરકાર ઇચ્છે તો ટેક્ષ વધારીને તેને નિયંત્રિત કરી શકે છે. પ્રજા તો એ જ ખરીદશે, જે તેને સસ્તુ મળશે. સેલીબ્રીટીઓ કોઇ પણ બ્રાંડની જાહેરાત કરે છે. તેમણે પહેલા ચીની બ્રાંડની જાહેરાતો બંધ કરવી જોઇએ.

(2:58 pm IST)