મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd June 2020

હિંસાની આગમાં બળી રહ્યુ છે અમેરિકાઃ કફર્યુ બાદ પણ પ્રદર્શન જારી રહેતા ટ્રમ્પે ઉતાર્યા ૧૭ હજાર સૈનિક

પ્રદર્શનકારીઓ દ્વારા તોડફોડ, મારા-મારી અને લૂંટની ઘટનાઓને પગલે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હિંસક પ્રદર્શનને ઘરેલું આતંકવાદ ગણાવ્યું છે

વોશીંગ્ટન, તા.૩: અમેરિકામાં કોરોનાનાં કહેર બાદ હિંસાનો કહેર પણ ચાલુ છે. અહી પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. અશ્વેત નાગરિક જયોર્જ ફ્લોયડનાં મૃત્યુ પછી પ્રદર્શન અને હિંસા બંધ થવાનું નામ નથી લઈ રહી. સ્થિતિ એવી છે કે દ્યણાં શહેરોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ પ્રદર્શનકારીઓ હજી પણ રોકાવવાનું નામ નથી લઈ રહ્યા. પ્રદર્શનકારીઓ દ્વારા તોડફોડ, મારા-મારી અને લૂંટની ઘટનાઓને પગલે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હિંસક પ્રદર્શનને ઘરેલું આતંકવાદ ગણાવ્યું છે.

આ પ્રદર્શનની આગ અમેરિકાનાં ૧૪૦ શહેરોમાં પહોંચી ગઈ છે. જયારે દ્યણાં શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, હિંસા, લૂંટ, અરાજકતા અને અવ્યવસ્થા આજે આ અમેરિકા માટે મોટા પડકાર બન્યા છે, જેના પછી વ્હાઇટ હાઉસે કહ્યું કે , આવા પ્રદર્શન અને પ્રદર્શનની આડમાં લૂંટફાટ સહન કરવામાં આવશે નહીં. વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કૈલી મૈકનૈનીએ જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ સૂચના આપી છે કે અમેરિકાની શેરીઓમાં લખનાર તે કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.

પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટે અમેરિકાનાં ૨૪ રાજયોમાં તાકાતનું પ્રદર્શન કરી દેવામાં આવ્યુ છે. આ રાજયોમાં નેશનલ ગાર્ડનાં લગભગ ૧૭,૦૦૦ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, અમારી પાસે ૩,૫૦,૦૦૦ રાષ્ટ્રીય ગાર્ડ ઉપલબ્ધ છે, અને જરૂર પડે તો વધુ રક્ષકો તૈનાત કરવામાં આવશે. વળી વ્હાઇટ હાઉસે ગવર્નર પર કાર્યવાહી કરવાની હાકલ કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે જો રાજયોનાં ગવર્નર હિંસક પ્રદર્શનકારીઓને કાબૂમાં રાખવા માટે રાષ્ટ્રીય ગાર્ડનો ઉપયોગ નહીં કરે તો રસ્તાઓ પર સૈન્ય તૈનાતનો આદેશ આપવામાં આવશે.

(11:24 am IST)