મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર કરારભંગ કરી પાક રેન્જર્સ દ્વારા ફાયરિંગ: બે જ મહિનામાં સમજૂતિનો ભંગ

(સુરેશ એસ દુગ્ગર) જમ્મુ: પાકિસ્તાનની સેનાએ બે મહિનાના અંતરાલ બાદ ફરી એક વખત સમજૂતી ભંગ કરેલ છે. ભારતીય સરહદ અને એલઓસી પર ગોળીબાર નહીં કરવાનો કરાર થયો હતો. જો કે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન સૈન્યએ આવુ કર્યું છે, પરંતુ ભૂતકાળમાં તેના કરારો ૨ કલાકથી ૨ મહિના માંડ ચાલ્યા છે.
પાકિસ્તાનના આ બેફામ ફાયરિંગની પુષ્ટિ કરતાં બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે ભારતીય જવાન સરહદ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા.  તે દરમિયાન પાકિસ્તાની રેન્જર્સે તેમને નિશાન બનાવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધેલ. જો કે જવાનોને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી.
બીએસએફના સૂત્રોનું કહેવું છે કે જવાબી કાર્યવાહી  પછી પાકિસ્તાની રેન્જરોએ ફાયરિંગ બંધ કરી દીધા હતા.  જો કે, બે મહિનાના યુદ્ધવિરામ બાદ સીમા પર અચાનક ગોળીબારો સાંભળીને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.  લોકોને લાગ્યું કે પાકિસ્તાની સૈન્યએ ફરી એક વાર સરહદી વિસ્તારોમાં ગોળીબાર શરૂ કર્યો છે. જો કે હવે ફાયરીંગ બંધ થઈ ગયું હોવા છતાં સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં પાકિસ્તાને ફરી એકવાર સરહદી વિસ્તારોમાં ફાયરિંગ  શરૂ કરતાં વધુ તીવ્ર બનાવશે  તેવી ભીતિ સર્જાઈ છે.

(8:40 pm IST)