મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

શું રાહુલ-પ્રિયંકા માટે ઉભા થશે નવા પડકારો??

હારનો સિલસિલો નાથવામાં નિષ્ફળઃ પક્ષમાં ઉઠતા અસંતોષ વચ્ચે પક્ષના બળવાખોર નેતાઓને ગાંધી પરિવાર સામે મોરચો ખોલવાનો મોકો મળી ગયો

નવી દિલ્હી તા. ૩: દેશના પાંચ રાજયોની ચુંટણીમાં કોંગ્રેસ પોતાની હારનો સિલસિલો તોડવામાં નિષ્ફળ ગઇ છે. રાહુલ ગાંધીએ કેરળમાં અને પ્રિયંકાએ આસામમાં પોતાનું ધ્યાન કેન્દ્રત કરી રાખ્યું હતું ત્યારે આસામ અને કેરળમાં તમામ શકયતાઓ છતાં પક્ષની હારે રાહુલ-પ્રિયંકાની નેતાગીરી અને રણનીતિ પર સવાલો ઉભા કર્યા છે. પક્ષમાં ઉઠતા વિદ્રોહ અને વધતા અસંતોષ વચ્ચે કોંગ્રેસની હારે બળવાખોર નેતાઓને ગાંધી પરિવાર સામે મોરચો ખોલવાનો મોકો આપી દીધો છે.

પાંચ રાજયોની ચુંટણી રણનીતિનું સંચાલન સંપૂર્ણપણે કોંગ્રેસની વર્તમાન નેતાગીરી અને તેમના નજીકના રણનીતિકારોના હાથમાં જ હતું. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના વાયનાડના સાંસદ હોવાના લીધે વિધાનસભા ચુંટણીમાં તેમની શાખ દાવ પર લાગેલી હતી એટલે જ રાહુલે સૌથી વધારે ધ્યાન કેરળમાં આપ્યું હતું. જયારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ આસામનો મોરચો સંભાળ્યો હતો. પાંચ રાજયોમાંથી આ બે રાજયો પરજ ધ્યાન રાખવા છતાં ગાંધી પરિવારના આ બન્ને નેતાઓ પોત પોતાના રાજયમાં સફળ ન થયા, કોંગ્રેસી નેતાગીરી સત્તા વિરોધી વાતાવરણ હોવા છતાં લોકોને આકર્ષવામાં સફળ ન થઇ શકી.

કોંગ્રેસના નવા અધ્યક્ષની ચુંટણીના થોડા સમય પહેલા જ પાંચ રાજયોની ચુંટણીમાં પક્ષના લઘર વઘર દેખાવથી ગાંધી પરિવાર સામે સવાલો ઉભા થઇ શકે છે. બંગાળમાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલવું, આસામ-કેરળમાં જોરદાર હાર અને પોંડીચેરીમાં સતા ગુમાવ્યા પછી પક્ષમાં ફરી એકવાર માથાકૂટની શકયતાઓ વધી ગઇ છે. કેમકે પક્ષના અસંતુષ્ઠ જૂથ (જી-ર૩) ના નેતાઓ તરફથી કોંગ્રેસના સતત સંકોચાઇ રહેલા આધાર બાબતે સવાલો થઇ રહ્યા છે ત્યારે પક્ષનું આ બળવાખોર જૂથ ફરી એકવાર મેદાનમાં આવી શકે છે.

(3:40 pm IST)