મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

ભારે ઊતાર-ચઢાવની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ

ટાઈટનના શેરમાં સૌથી મોટો ૪.૫૮ ટકાનો કડાકો : સેન્સેક્સ ૬૪ પોઈન્ટ તૂટ્યો તો નિફ્ટીમાં વધારો, મેટલ બે ટકા વધ્યો, FMCG ઇન્ડેક્સ એક ટકાની વૃદ્ધિ નોંધાઈ

મુંબઈ : સોમવારે ભારે અસ્થિરતા પછી સ્થાનિક શેરબજાર લગભગ ફ્લેટ બંધ રહ્યા છે. બીએસઈનો ૩૦ શેરોનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ ૬૩.૮૪ પોઈન્ટ એટલે કે ૦.૧૩ ટકાની ગિરાવટ સાથે ૪૮૭૧૮.૫૨ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બીજી બાજુ એનએસઈ નિફ્ટી ૩.૧૦ પોઈન્ટ અથવા ૦.૦૨ ટકાના વધારા સાથે ૧૪૬૩૪.૨૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી પર ટાઇટન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઇન્ડ બેક્ન, એક્સિસ બેક્ન અને બીપીસીએલના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, એસબીઆઈ લાઇફ ઇન્સ્યુરન્સ, ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ અને એચયુએલના શેર લીલા નિશાન સાથે બંધ થયા છે. સેક્ટોરલ ઈન્ડેક્સ વિશે વાત કરવામાં આવે તો મેટલ ઈન્ડેક્સ બે ટકા વધીને બંધ રહ્યો છે. તે જ સમયે, એફએમસીજી ઇન્ડેક્સ એક ટકાએ બંધ રહ્યો હતો. તે જ સમયે, બેંકિંગ અને ઊર્જા ક્ષેત્રના શેરો વેચાયા હતા.

સેન્સેક્સ પર ટાઇટન શેરોમાં સૌથી વધુ ઘટાડો ૪.૫૮ ટકા હતો. એ જ રીતે, ઈન્ડસઇન્ડ બેક્ન ૨.૨૪ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઇટીસી, એસબીઆઇ, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેંક, ટેક મહિન્દ્રા, ઇન્ફોસીસ, એચડીએફસી અને ટીસીએસના શેર લાલ નિશાન સાથે બંધ થયા છે.

સેન્સેક્સમાં ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, મારુતિ, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, એનટીપીસી, નેસ્લે ઇન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, સન ફાર્મા, બજાજ ઓટો, પાવરગ્રિડ, ડોક્ટર રેડ્ડીઝ, લાર્સન અને ટુબ્રો, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક અને મહિન્દ્રાએન્ડ મહિન્દ્રાના શેર લીલા નિશાન સાથે બંધ થયા છે.રિલાયન્સ સિક્યોરિટીઝના હેડ (સ્ટ્રેટેજી) વિનોદ મોદીએ કહ્યું હતું કે, નબળા વૈશ્વિક સંકેતો હોવા છતાં, સ્થાનિક શેરબજારો પાછળથી દિવસના સત્ર દરમિયાન તીવ્ર ઘટાડાથી સુધર્યા હતા. બજારમાં એફએમસીજી અને મેટલની મજબૂત ખરીદીને કારણે ત્યાં રિકવરીનો ટ્રેન્ડ હતો.

તેમણે કહ્યું કે, કોવિડ -૧૯ ની બીજી લહેરમાં ચેપના નવા કેસોમાં ભારે વધારો થવાથી રોકાણકારોની દ્રષ્ટિ પર અસર પડી. જો કે, કંપનીઓના કમાણીના આંકડા અને તેમના મેનેજમેંટના નિવેદનોના કારણે બજાર થોડુંક વધ્યું છે. આરોગ્ય મંત્રાલયના અપડેટ મુજબ, દેશમાં કોવિડ -૧૯ ના સક્રિય કેસની સંખ્યા ૩૪,૧૩,૬૪૨ પર પહોંચી ગઈ છે. એશિયાના અન્ય બજારોની વાત કરીએ તો હોંગકોંગ અને સિઓલમાં શેર બજારો ગિરાવટ સાથે બંધ થયા છે. તે જ સમયે, શાંઘાઇ અને ટોક્યોમાં બજારો સાપ્તાહિક રજાના કારણે બંધ રહ્યા હતા.

(9:44 pm IST)