મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

મમતા માટે વિપક્ષનો રાષ્ટ્રીય ચહેરો બનવા માટેનો રાહ સરળ નથી : કોંગ્રેસ જ આડી ફાટશે

મમતાને માત્ર કેજરીવાલ - અખિલેશ - કેસીઆરનું સમર્થન મળશે

નવી દિલ્હી તા. ૩ : પશ્ચિમ બંગાળમાં ભાજપાની સૌથી ટોચની અને પરાક્રમી ચુંટણી બેલડીને મોટા અંતરથી માત આપીને મમતા બેનર્જી બેશક વિપક્ષના એક પ્રભાવશાળી અને તાકાતવાન નેતા રૂપમાં બહાર આવ્યા છે પણ રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી નેતૃત્વ હાથમાં લેવાનો તેમનો રસ્તો સરળ નથી. સતત નિષ્ફળતાઓ વચ્ચે રાષ્ટ્રીય સ્તરે ભાજપાને રોકવા માટેના પ્રયત્નો કરી રહેલ કોંગ્રેસ જ દીદીને દિલ્હી આવતા રોકવામાં કોઇ કસર નહીં છોડે. તો અન્ય કેટલાક મોટા નેતાઓને મમતાના નેતૃત્વને સહજતાથી સ્વીકારવાનો ખચકાટ પણ તેમાં અડચણ રૂપ બનશે.

બંગાળની ચુંટણીમાં ૨૦૦ બેઠકો સાથે જીતના ભાજપાના દાવાની હવા નીકળી જતા જ કેટલાક સ્થાનિક નેતાઓથી માંડીને નિષ્ણાંતોએ ઉત્સાહમાં આવીને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે મમતાને વિપક્ષી ચહેરો બનાવવાની ભવિષ્યવાણી શરૂ કરી દીધી. પણ તેમાં સૌથી મોટી અડચણ તો કોંગ્રેસ તરફથી જ આવશે કેમકે જો મમતા બેનર્જી વિપક્ષી દળોને એકજૂટ કરવા આગળ વધશે તો તે કોંગ્રેસના નેતૃત્વ માટે સીધો પડકાર બનશે.

કોંગ્રેસ વિપક્ષી એકતાનું નેતૃત્વ પોતાના હાથમાંથી છટકવા દેવા નથી માંગતી કેમકે જો આવું થાય તો પક્ષનું રાજકીય વર્ચસ્વ સમાપ્ત થઇ જાય. રાજ્યોમાં સતત મળી રહેલી હાર છતાં કોંગ્રેસનું રાષ્ટ્રીય સ્તરે બચેલું સ્વરૂપ અને સંગઠનાત્મક માળખું જ તેના રાજકીય અસ્તીત્વને બચાવી રહ્યું છે. એટલે સ્પષ્ટ છે કે વિપક્ષી નેતૃત્વની કમાન તેના હાથમાંથી જતી રહે તો પક્ષ માટે તેનું જેવું તેવું રહેલું રાજકીય અસ્તીત્વ ટકાવવું પણ અઘરૃં બની જાય. કોંગ્રેસ આ વાસ્તવિકતા જાણે છે અને એટલે જ રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં દીદીની મોટી ભૂમિકાની તરફેણ કરવા છતાં કોંગ્રેસ એવો જ પ્રયત્ન કરશે કે વિપક્ષી રાજકારણનું નેતૃત્વ કોઇ સ્થાનિક પક્ષના નેતાના હાથમાં ના જાય.

(11:48 am IST)