મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

રાજકોટમાં ૭૨ મોત-૧૨૧ કેસ

ગઇકાલે ૬૫ પૈકી ૯ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીએ રિપોર્ટમાં જણાવ્યુ હતુઃ હાલમાં ૩૮૬૪ દર્દીઓ સારવાર હેઠળઃ શહેર-જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ૧૮૭ બેડ ખાલીઃ કુલ કેસનો આંક ૩૪,૬૫૨ આજ દિન સુધીમાં ૩૦,૪૪૬ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૮.૧૭ ટકા થયો

રાજકોટ તા. ૩: શહેર - જિલ્લામાં કોરોનાનાં કેસ અને મોતનો આંક દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૭૨નાં મૃત્યુ થયા છે.જયારે શહેરમાં બપોર સુધીમાં ૧૨૧ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૩નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૭૨ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

ગઇકાલે ૬૫  પૈકી ૯ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૮૭ બેડ ખાલી છે.

નોંધનીય છે કે, શહેરમાં કોરોના સંક્રમણ અટકવાનું  નામ લેતુ નથી ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં  ૭૨ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાના ૧૨૧ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૨૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૪,૬૫૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૬૬૦૧ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪૦૧  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૬.૦૭  ટકા થયો  હતો. જયારે ૬૮૪ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૦,૧૦,૯૦૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૪,૬૫૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૪૨ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૩૮૬૪  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:16 pm IST)