મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

અભ્યાસમાં મહત્વનો ખુલાસો

કોરોનાને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઇ શકે છે મોત

નવી દિલ્હી તા. ૩ : દેશમાં હાલ કોરોનાથી મૃત્યુની સંખ્યા વધી રહી છે જે ચિંતાજનક છે. કોરોનાના મોટાભાગના દર્દીઓ હળવા લક્ષણવાળા છે જે હોમ આઈસોલેશનમાં ઠીક થઈ રહ્યા છે. કેટલાક લોકોમાં કોરોનાના લક્ષણ લાંબા સમય સુધી રહે છે અને આ લોકોમાં કોરોનાથી ઠીક થયા પછી પણ મોતનું જોખમ તોળાયેલું રહે છે. આ વાત બ્રિટિશ પત્રિકા નેચરમાં છપાયેલા સ્ટડીમાં કહેવાઈ છે. આ ઉપરાંત CDC દ્વારા બહાર પડાયેલા એક સ્ટડીમાં પણ આ વાતનો ઉલ્લેખ કરાયો છે. કહેવાયું છે કે કોવિડ-૧૯ના હળવા લક્ષણોવાળા દર્દીઓમાં કેટલાક મહિના બાદ પણ નવા લક્ષણો મળી આવે છે.

નેચરમાં છપાયેલા સ્ટડી માટે રિસર્ચર્સે ડેટાબેસમાંથી ૮૭,૦૦૦થી વધુ કોરોના દર્દીઓ અને લગભગ ૫૦ લાખ સામાન્ય દર્દીની તપાસ કરી. તેમણે જાણ્યું કે કોરોનાથી સંક્રમિત ન થનારાની સરખામણીમાં કોવિડ-૧૯થી દર્દીમાં સંક્રમણ બાદ ૬ મહિના સુધી મોતનું જોખમ ૫૯ ટકાથી પણ વધુ હતું.

સ્ટડીના પરિણામોથી જાણવા મળ્યું કે ૬ મહિનામાં દરેક ૧૦૦૦માંથી લગભગ ૮ દર્દીઓનું મોત લાંબા સમય સુધી રહેનારા કોરોનાના લક્ષણોના કારણે થાય છે અને આ મોતને કોરોનાથી જોડવામાં આવતા નથી. રિસર્ચર્સે જણાવ્યું કે ૬ મહિનામાં દર ૧૦૦૦ દર્દીઓમાં ૨૯થી વધુ મોત એવા થયા છે કે જેમાં દર્દી ૩૦થી વધુ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા.

હેલ્થ એકસપર્ટનું કહેવું છે કે જયાં સુધી મહામારીથી મૃત્યુની વાત છે તો આ તારણ જણાવે છે કે વાયરસથી સંક્રમિત થયા બાદ તરત થઈ રહેલા મોત બસ ઉપર છેલ્લો આંકડો છે. સ્ટડી મુજબ જે લોકોમાં કોરોનાના લક્ષણો લાંબા સમય સુધી રહે છે તેમાં શ્વાસની મુશ્કેલી ઉપરાંત બીમાર થવાની સંભાવના વધી જાય છે.

દર્દીઓમાં આગળ જઈને સ્ટ્રોક, નર્વ સિસ્ટમની બીમારી, ડિપ્રેશન જેવી માનસિક બીમારી, ડાયાબિટિસની શરૂઆત, હ્રદય સંબંધિત બીમારી, ડાયેરિયા, પાચન શકિત ખરાબ થવી, કિડનીની બીમારી, બ્લડ કલોટ, સાંધામાં દુઃખાવો, વાળ ઉતરવા અને થાક જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે.

સ્ટડી મુજબ દર્દીઓને મોટાભાગેગ આમાંથી અનેક બાબતે ફરિયાદ હોઈ શકે છે. જે વ્યકિતમાં કોવિડ-૧૯ જેટલો ગંભીર હોય છે, તેને આગળ જઈને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી થવાની સંભાવના વધુ રહે છે. વોશિંગ્ટન યુનિવર્સિટી મેડિકલ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર અલ અલીએ કહ્યું કે 'અમારા સ્ટડીથી જાણવા મળે છે કે સંક્રમણની ખબર પડ્યાના ૬ મહિના સુધી મોતનું જોખમ તોળાયેલું રહે છે. એટલે સુધી કે કોવિડ-૧૯ ના હળવા કેસોમાં પણ મોતનું જોખમ ઓછું નથી. આ સંક્રમણની ગંભીરતાની સાથે વધતું જાય છે. આ બીમારીની અસર અનેક વર્ષો સુધી રહી શકે છે.'

આ બાજુ CDC એ પણ હાલમાં જ પોતાનો નવો સ્ટડી બહાર પાડ્યો છે જે કોવિડ-૧૯ના હળવા લક્ષણવાળા દર્દીઓ પર છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કોરોનાના લગભગ બે તૃતિયાંશ દર્દીઓએ ૬ મહિના બાદ કોઈ ને કોઈ લક્ષણોની સમસ્યા સાથે ફરી ડોકટરોનો સંપર્ક કર્યો. CDCનો આ સ્ટડી ૩૧૦૦થી પણ વધુ લોકો પર થયો છે.સ્ટડીમાં જાણવા મળ્યું કે તેમાંથી કોઈને કોઈ દર્દી પોતાના શરૂઆતી સંક્રમણમાં હોસ્પિટલમાં દાખલ થયો નહતો. લગભગ ૭૦ ટકા લોકોએ હળવા સંક્રમણથી ઠીક થયાના ૧દ્મક ૬ મહિનાની અંદર ફરીથી પોતાના ડોકટરનો સંપર્ક કર્યો. લગભગ ૪૦ ટકા લોકોને તો કોઈ વિશેષજ્ઞને બતાવવાની જરૂર પડી ગઈ. સ્ટડીના લેખકોનું કહેવું છે કે ડોકટરોને ખબર હોવી જોઈએ કે તેમની પાસે આવનારા દર્દી એવા પણ હોઈ શકે છે કે જે કોરોનાથી ઠીક થયા બાદ કોઈ નવા લક્ષમ સાથે આવ્યા હોય.

(11:03 am IST)