મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

રાજ્યમાં કોરોનાના ૩ વેરિયન્ટ સક્રિય : સુરક્ષિત રહેવા ડબલ માસ્ક પહેરવા સૂચન

ડબલ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, જો ઘરે કોઇ મહેમાન આવે તો યોગ્ય તકેદારી રાખવી અને ભીડભાડવાળી જગ્યાએ જતા બચવું એ આ મહામારીમાંથી બહાર નીકળવાનો રસ્તો છે :B.1.617 આ મ્યૂટન્ટ ભારતમાંથી મળી આવ્યો છે અને તેના ૩૪ વેરિયંટ ગુજરાતમાં છે. :B.1.525 આ વેરિયંટ સૌથી પહેલા નાઈજિરિયા અને યુકેમાં દેખાયો હતો અને તે ગુજરાતમાં પણ સક્રિય છે. :B.1.351ના આ સાઉથ આફ્રિકન મ્યૂટન્ટના ચાર વેરિયંટ ગુજરાતમાં છે.

અમદાવાદ તા. ૩ : નિષ્ણાતોના મતે, ડબલ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, જો ઘરે કોઈ મહેમાન આવે તો યોગ્ય તકેદારી રાખવી અને ભીડભાડવાળી જગ્યાએ જતા બચવું એ આ મહામારીમાંથી બહાર નીકળવાનો રસ્તો છે. ગુજરાતમાં છેલ્લા થોડા મહિનાથી કોરોના વાયરસના ત્રણ વેરિયંટ ફેલાયેલા છે, તેમ GISAIDની વેબસાઈટ પર આપેલી માહિતીમાં ઉલ્લેખ છે. GISAIDએ દુનિયાભરની કોરોનાના માહિતી રાખતું મંચ છે.

ઈન્ડિયન SARS-CoV-2 કન્સોર્ટિઅમ ઓન જિનોમિકસ (INSACOG)ના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા ગુજરાતમાં મળી આવેલા કોવિડ વેરિયન્ટ્સની માહિતી GISAIDને આપવામાં આવી હતી. INSACOG 10 રાષ્ટ્રીય લેબોરેટરિનું ગ્રુપ છે જેની સ્થાપના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.

આ જાહેર મંચ પર મૂકવામાં આવેલી માહિતી પર ઉપરછલ્લી નજર નાખતાં જાણવા મળ્યું કે, ભારતીય SARS-CoV-2 B.1.617 ડબલ મ્યૂટન્ટના ૩૪ વેરિયંટ છે. B.1.525 SARS-CoV-2નો એક વેરિયન્ટ છે, જે સૌથી પહેલા ડિસેમ્બર ૨૦૨૦માં નાઈજિરિયા અને યુકેમાં જોવા મળ્યો હતો. આ સિવાય B.1.351ના ચાર અન્ય વેરિયંટ છે જે મુખ્યત્વે સાઉથ આફ્રિકામાં જોવા મળ્યા છે.

નામ ન જણાવાની શરતે એક પબ્લિક હેલ્થ એકસપર્ટે કહ્યું, 'જો આ મ્યૂટેશનો એક જ રાજયમાં સાથે હોય તો શું તે અગાઉ થયેલા સંક્રમણથી બનેલી નેચરલ ઈમ્યૂનિટીનો નાશ કરે છે? તે સવાલ અમને સતાવી રહ્યો છે. આ અભ્યાસનો અતિ ગંભીર મુદ્દો છે. આ મ્યૂટેશનોનો ઈન્ફેકશન રેટ અને એપિડેમિયોલોજી (રોગના ફેલાવા અને તેના નિયંત્રણ માટે થતો વૈજ્ઞાનિક અભ્યાસ) જાણવા માટે કોવિડ સેમ્પલોનું જેનેટિક સિકવન્સિંગ કરવું જરૂરી છે. જેથી આપણે આગળની યોજના બનાવી શકીએ.'

ગત અઠવાડિયે INSACOGGISAIDને જાણકારી આપી હતી કે, ડબલ મ્યૂટન્ટ B.1617+ કોરોના વાયરસના ૫૨૯ વેરિયંટ મહારાષ્ટ્રમાં, ૬૨ વેરિયંટ કર્ણાટકમાં અને ૧૩૩ વેરિયંટ પશ્યિમ બંગાળમાં છે. ગુજરાતનો વાયરોલોજીકલ ડેટા GISAIDને ફેબ્રુઆરીમાં સોંપવામાં આવ્યો હતો. GISAIDના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ગ્.૧૬૧૭ના સૌપ્રથમ હાજરી આ વર્ષે ૨ ફેબ્રુઆરીએ નોંધાઈ હતી. પોઝિટિવ આવેલા ત્રણ સેમ્પલમાં ડબલ મ્યૂટન્ટ વાયરસ હતો.

૩ ફેબ્રુઆરીએ બીજા બે સેમ્પલમાં ડબલ મ્યૂટન્ટની હાજરી જોવા મળી અને પછી ૬ ફેબ્રુઆરીએ વધુ ત્રણ સેમ્પલમાં ડબલ મ્યૂટન્ટ વાયરસ જોવા મળ્યો હતો.

જણાવી દઇએ કે, GISAID પ્લેટફોર્મને જર્મનીની સરકાર સંભાળે છે જયારે સિંગાપોર અને યુએસ તેના ઓફિશિયલ હોસ્ટ છે. જે ઈન્ફલુએન્ઝા વાયરસ અને કોવિડ-૧૯ મહામારી માટે જવાબદાર કોરોના વાયરસના જેનોમિક ડેટા પૂરા પાડે છે

યાદ રાખો

.   બે વ્યકિતઓ માસ્ક પહેર્યા વિના સાથે ઊભા રહે તો ઈન્ફેકશન લાગવાનું જોખમ ૯૦ ટકા જેટલું વધી જાય છે. જયારે સંક્રમિત ના હોય તેવા વ્યકિતએ માસ્ક પહેરેલું હોય તો ચેપ લાગવાનું જોખમ ૩૦ ટકા સુધી ઘટી જાય છે.

.   તમે બીમાર વ્યકિત પાસે જઈને આવ્યા હો તો ૩૦ મિનિટ સુધી માસ્ક પહેરી રાખો (ખાસ કરીને તમારી ઈન્યૂનિટી નબળી હોય તો), કારણકે શકય છે કે જયારે દરવાજો ખુલ્લો હોય ત્યારે એરોસોલ રૂમમાંથી બહાર નીકળ્યા હોય.

મ્યૂટન્ટ વાયરસથી બચવા માટે આટલું કરો

. ડબલ માસ્ક પહેરવાથી કોવિડ સંક્રમણનું જોખમ ૯૫ ટકા સુધી ઘટાડી શકાય છે. ડબલ માસ્ક વચ્ચેની જગ્યામાંથી હવાની અવરજવર રોકે છે અને ચહેરા પર બરાબર ફિટ થાય છે.

. થ્રી-લેયર માસ્કની ઉપર કપડાનું માસ્ક પહેરવું અથવા ફ૯૫ અને સર્જિકલ માસ્ક સાથે પહેરવું યોગ્ય છે.

. જો પરિવારમાં કોઈ વ્યકિત કોવિડ પોઝિટિવ હોય તો તે વ્યકિત ઘરની અંદર પણ માસ્ક પહેરી રાખે તે જરૂરી છે, જેથી અન્ય સભ્યો સંક્રમિત ના થાય.

. જો તમારા ઘરે કોઈ મહેમાન કે કામ માટે બહારથી કોઈ વ્યકિત આવતી હોય તો ૩૦ મિનિટ સુધી માસ્ક પહેરી રાખવું કારણકે એરોસોલ હોવાની સંભાવના છે.

(11:01 am IST)