મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

શું કહે છે બંધારણ?

નંદીગ્રામમાં હાર પછી પણ શું મમતા મુખ્યમંત્રી બની રહેશે?

નવી દિલ્હી, તા.૩: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીને મોટી જીત મળી છે. જોકે, મુખ્યમંત્રી મમતા બેનરજી એ નંદીગ્રામ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. પશ્ચિમ બંગાળની સૌથી હાઇપ્રોફાઇલ સીટ પર જેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો એવું જ થયું છે. જોકે, ચૂંટણી પરિણામ વચ્ચે ન્યૂઝ એજન્સી એએનઆઈએ મમતા બેનરજીના જીતનો દાવો કર્યો હતો. જોકે, સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને મમતાએ નંદીગ્રામ બેઠક પર પોતાની હારનો સ્વીકાર કર્યો હતો.

મમતા બેનરજી નંદીગ્રામ પરથી ચૂંટણી હારી ગયા છે ત્યારે સ્વાભાવિક સવાલ થાય કે શું તેઓ મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે? જોકે, ચૂંટણી નિષ્ણાતોનું કહેવું છે કે મમતા ફરીથી પશ્ચિમ બંગાળમાં સત્તા સંભાળશે તેમાં કોઈ શંકા નથી. જો વાત કરવામાં આવે તો ભારતના ત્રણ સૌથી મોટી વસ્તી ધરાવતા રાજયોના મુખ્યમંત્રી નીતિશ કુમાર, યોગી આદિત્યનાથ અને ઉદ્ઘવ ઠાકરે પોત પોતાના રાજયની વિધાન પરિષદના સભ્ય છે, તેઓ વિધાનસભાનો હિસ્સો નથી. સીધા શબ્દોમાં કહીએ તો તેઓ મુખ્યમંત્રી બનવા માટે ચૂંટણી નથી જીત્યા. આમાંથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ એક એવા મુખ્યમંત્રી છે જેઓ ૩૬ વર્ષ પહેલા વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે પણ કયારેય ચૂંટણી નથી લડ્યા. જોકે, મમતા બેનરજીનો કેસ અલગ છે. કારણ કે પશ્યિમ બંગાળમાં વિધાન પરિષદ નથી. જોકે, તૃણમૂલ કોંગ્રેસ તરફથીઆવું માળખું બનાવવાની વાત કરવામાં આવી છે. અનુચ્છેદ ૧૬૪ પ્રમાણે, એક મંત્રી જે સતત છ મહિના સુધી કોઈ રાજયના વિધાનમંડળનો ન હોય તો તે આ સમય મર્યાદા ખતમ થયા બાદ મંત્રી ન બની શકે. મતલબ સ્પષ્ટ છે કે મમતા બેનરજીએ છ મહિનાની અંદર ચૂંટણી જીતવી પડે. પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ ન હોવાથી મુખ્યમંત્રીએ છ મહિનાની અંદર કોઈ બેઠક ખાલી કરીને ત્યાંથી ચૂંટણી લડીને જીતવી પડશે. પેટા-ચૂંટણીને તેઓ ધારાસભ્ય બની શકે છે અને મુખ્યમંત્રી પદે ચાલુ પણ રહી શકે છે.

આ પહેલા રવિવારે મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાની હાર સ્વીકારતા કહ્યું હતું કે, 'હું નંદીગ્રામના ફેંસલાનો સ્વીકાર કરું છે. હું બંધારણીય ખંડપીઠ પાસ જઈશ. ટીએમસીએ વિધાનસભામાં શાનદાર જીત મેળવી છે. બીજેપી ચૂંટણી હારી ગઈ છે. બીજીપીએ ભૂંડી રાજનીતિ કરી છે. ચૂંટણી પંચને લક્ષ્મણ રેખાની જરૂર છે.

(11:00 am IST)