મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

ચૂંટણી પરિણામો આવી ગયા

હવે ડીઝલ -પેટ્રોલનાં ભાવ ગમે ત્યારે વધશે

નવી દિલ્હી,તા.૩: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ મોંદ્યું થવાનાં કારણે ડીઝલ અને પેટ્રોલનાં રિટેલ ભાવમાં પણ ટૂંક સમયમાં વધારો થઈ શકે છે. શનિવારે એરક્રાફ્ટ ઇંધણ (ATF) ના ભાવમાં ૬.૭ ટકાનો વધવાથી આ સંકેત મળી રહ્યા છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હીમાં એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF) ની કિંમત ૩,૮૮૫ રૂપિયા પ્રતિ હજાર લિટર એટલે કે ૬.૭ ટકા વધારીને રૂ.૬૧,૬૯૦.૨૮ કરી દેવામાં આવી છે. વિવિધ રાજયોમાં પેટ્રોલિયમ પર વેચાણ વેરાનાં દરમાં તફાવત હોવાને કારણે ATFના ભાવ અલગ અલગ હોઈ શકે છે. અગાઉ કંપનીઓએ ATFનાં ભાવમાં બે વાર ઘટાડો કર્યો હતો.

૧ એપ્રિલે તેમાં ત્રણ ટકા અને ૧૯ એપ્રિલના રોજ એક ટકાનો ઘટાડો થયો હતો. ડીઝલ અને પેટ્રોલના ભાવ સતત ૧૭ દિવસથી એક સ્તરે ચાલી રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ ૯૦.૪૦ રૂપિયા અને ડીઝલ ૮૦.૭૩ રૂપિયા પ્રતિ લિટર છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં ડીઝલ-પેટ્રોલની કિંમતોમાં સુધારો કરવામાં આવી શકે છે.

એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા ચાર દિવસ (૨૭ એપ્રિલ) થી ભાવ સતત વધી રહ્યા છે. આ સમય દરમિયાન, દુબઈમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ૨.૯૧ ડોલર જેટલું મોંઘું થઈ ગયું છે. પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં અનુક્રમે ૬૦ ટકા અને ૫૪ ટકા કેન્દ્ર અને રાજય કક્ષાનાં કરવેરાનો હોય છે. ભારતમાં કોવિડ -૧૯ની બીજી લહેરથી પેટ્રોલિયમ માંગ પર અસર થવાની સંભાવના હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ વધી રહ્યું છે. ક્રુડ ઓઇલની કિંમત વધવા પાછળ અમેરિકાની મજબૂત માંગ અને ડોલરની નબળાઇ જવાબદાર છે.

(9:54 am IST)