મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

કોવિડ ટાસ્ક ફોર્સનું કેન્દ્રને સૂચન

કોરોનાની ચેઈન તોડવા સંપૂર્ણ લોકડાઉન નાખો

નવી દિલ્હી, તા.૩: દેશમાં કોરોનાનાં નવા કેસ સતત વધી રહ્યા છે. મૃત્યુઆંક પણ સડસડાટ ઉંચે જઈ રહ્યો છે ત્યારે કોવિડ ટાસ્કફોર્સનાં સભ્યોએ કોરોનાની ચેઈન તોડવા આખા દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાદવા ભલામણ કરી છે. દેશમાં કોરોનાનાં વિસ્ફોટને કારણે દેશની હોસ્પિટલોમાં બેડ, ઓકસીજન અને દવાઓની તવીવ્ર અછત સર્જાઈ છે આવા સંજોગોમાં સંક્રમણ ઘટાડવા સંપૂર્ણ લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ હોવાનો સભ્યોનો મત છે. કોવિડનાં નેશનલ ટાસ્કફોર્સનાં સભ્યો તેમજ અન્ય નિષ્ણાતોએ મત વ્યકત કર્યો છે કે આખા દેશમાં કડક અને સંપૂર્ણ લોકડાઉન જ કોરોનાને નાથવાનો સારામાં સારો વિકલ્પ છે.

કોવિડ ટાસ્કફોર્સનાં નિષ્ણાત સભ્યો કે જેમાં AIIMS તેમજ ICMR કાબેલ લોકોનો સમાવેશ થાય છે તેઓ કોવિડને લગતા વિવિધ મુદ્દા ચર્ચવા ટાસ્કફોર્સનાં ચેરપર્સન વી કે પૌલને મળ્યા હતા જેઓ પીએમ મોદીને સીધેસીધા કોવિડને લગતા તમામ રિપોર્ટ આપે છે અને સૂચનો કરે છે. જો કે મોદીએ તેમનાં ૨૦મી એપ્રિલનાં સંબોધનમાં એવો મત વ્યકત કર્યો હતો કે લોકડાઉનનો અનિવાર્ય સંજોગોમાં અને અંતિમ વિકલ્પ તરીકે જ ઉપયોગ કરાશે.

કોરોનાની બીજી લહેરને તોડવા સખત લોકડાઉન જરૂરી અને અનિવાર્ય છે તેમ AIIMSનાં વડા રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું. ગુલેરિયાએ કહ્યું હતું કે, દેશનાં યુપી, મહારાષ્ટ્ર, હરિયાણા જેવા કેટલાક રાજયો અને શહેરોમાં હાલ નાઈટ કરફ્યુ તેમજ આંશિક લોકડાઉન અમલી બનાવાયું છે પણ તેની અસરકારકતા જોવા મળી જ નથી. દેશનાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર ભાંગી પડયું છે. આથી જયાં પોઝીટીવીટી રેટ ૧૦ કે ૧૫ ટકા છે ત્યાં સખત લોકડાઉન લાદવું અનિવાર્ય છે. બત્રા હોસ્પિટલમાં ડોકટર સહિત ૧૨ લોકોનાં મોત થયા તે દુખદ છે ડોકટરો અને નર્સોની હવે કામ કરવાની હદ આવી ગઈ છે. આપણે કોરોનાનાં સતત વધતા કેસને ઘટાડીશું તો જ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરને રાહત મળશે.

(10:56 am IST)