મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

તામિલનાડુમાં પિતા કરૂણાનિધિ બાદ હવે પુત્ર એમ કે સ્તાલિન સીએમપદે બિરાજશે

રાજયની રાજનીતિમાં નવો પક્ષ રચીને એન્ટ્રી કરનાર કમલ હાસનને નોંધપાત્ર સફળતા હાંસલ થઇ નથી

નવી દિલ્હી, તા.૩: મોટાભાગના રાજકિય પક્ષો કોંગ્રેસમાં ગાંધી પરિવારના એકહથ્થુ ચલણને પરિવારવાદ તરીકે ભાંડતા રહ્યા છે પરંતુ દરેક રાજકિય પાર્ટીના વડાઓ પાર્ટીની કમાન પોતાના સંતાનોને જ સોંપતા રહ્યાં છે. પાર્ટીમાં પરિવારવાદ ફકત કોંગ્રેસનો જ ઇજારો રહ્યો નથી. તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકે ગઠબંધન સંપુર્ણ બહુમતી સાથે સરકારની રચના કરવા જઇ રહ્યું છે. ડીએમકેના વડા એમ કે સ્તાલિન મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કરશે. યુપીમાં મુલાયમસિંહ બાદ તેમના પુત્ર અખિલેશ યાદવ મુખ્યમંત્રી બન્યા હતા. તેવી જ રીતે હવે તામિલનાડુમાં એમ કે કરૂણાનિધિ બાદ તેમના પુત્ર સ્તાલિન મુખ્યમંત્રીપદ સંભાળશે. તામિલનાડુમાં એમ જી રામચંદ્રનના ઉદય બાદ રાજનીતિમાં ફિલ્મ સ્ટારોની બોલબાલા રહી છે. એમ જી રામચંદ્રન પછી જે. જયલલિતાએ બે વાર રાજયના મુખ્યમંત્રીની ખુરશી સંભાળી. રાજયની જનતામાં ફિલ્મ સ્ટારો ભગવાનની જેમ પૂજાય છે. જનતા તેમના રાજનીતિમાં પ્રવેશને વધાવીને ખુરશી પર બેસાડતી રહી છે. આ વખતે પણ કમલ હાસન સહિતના સંખ્યાબંધ ફિલ્મ સ્ટાર પોતાની પાર્ટીઓ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છતાં સ્તાલિનની પાર્ટીએ દમદાર દેખાવ કર્યો છે. તેમના પિતા કરૂણાનિધિ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા પરંતુ સ્તાલિન સીધેસીધા રાજનીતિ સાથે જોડાયેલા રહ્યાં છે.

રાજયની રાજનીતિમાં નવો પક્ષ રચીને એન્ટ્રી કરનાર કમલ હાસનને નોંધપાત્ર સફળતા હાંસલ થઇ નથી. તેમની મક્કલ નીધિ મૈયામનો એકપણ ઉમેદવાર ચૂંટણી જીતી શકયો નથી. સાઉથ કોઇમ્બતૂરની બેઠક પરથી મેદાનમાં ઉતરેલા કમલ હાસનનો ભાજપના ઉમેદવાર સામે પરાજય થયો હતો.

એઆઇએડીએમકે વિરુદ્ઘ મતદારોમાં પ્રવર્તી રહેલા અસંતોષને પગલે રાજયની વિધાનસભા ચૂંટણીમાં આવેલી ડીએમકેની લહેરમાં તેના સાથી પક્ષ કોંગ્રેસે પણ કાઠું કાઢયું છે. વર્ષ ૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફકત ૮ બેઠકથી સંતોષ માનવો પડયો હતો પરંતુ વર્ષ ૨૦૨૧માં કોંગ્રેસની બેઠકો બમણી થઇ ગઇ છે. જોકે એક સમયે રાજયમા દબદબો ધરાવતી કોંગ્રેસ હવે ડીએમકેની બી ટીમ બનીને રહી ગઇ છે. રાહુલ ગાંધીએ રાજયમાં પ્રચાર કર્યો હતો પરંતુ તેમના જાદુની કોઇ ઝાઝી અસર થઇ નથી.

(9:51 am IST)