મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

સરકારી મહેમાન

પ્રેસ ફ્રિડમ ડે : દેશમાં મિડીયાની આઝાદી પર નિયંત્રણ; સમાજનો આઇનો ધૂંધળો બન્યો છે!

કોરોના સંક્રમણના કારણે સમગ્ર દેશમાં સવા વર્ષમાં ૧૫૫ જેટલા પત્રકારોએ જીવ ગુમાવ્યા છે : વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઇન્ડેક્ષ-૨૦૨૦માં ભારતનું સ્થાન ૧૮૦ દેશોની વચ્ચે ૧૪૨ના નીચલા ક્રમાંકે છે : રેડિયો, ટીવી અને ડિજીટલ જર્નાલિઝમના સમયમાં અખબારોએ વિશ્વસનિયતા ટકાવી રાખી છે

વિશ્વમાં પ્રતિવર્ષ ૩જી માર્ચે પ્રેસ ફ્રિડમ ડે મનાવવામાં આવે છે. યૂનેસ્કોના સંમેલનની ભલામણ પછી ડિસેમ્બર ૧૯૯૩માં સંયુકત રાષ્ટ્ર મહાસભા દ્વારા આ દિવસ ઘોષિત કરવામાં આવ્યો હતો. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ પ્રેસ સ્વતંત્રતાના મૂળ સિદ્ઘાંતોને ઉજાગર કરી દુનિયામાં પ્રેસની સ્વતંત્રતાનું આંકલન કરવાનો છે. આ સાથે હુમલાઓથી મિડીયાની રક્ષા કરવી તેમજ એવા પત્રકારોને શ્રદ્ઘાંજલિ આપવામાં આવે છે કે જેઓએ કામ કરતાં કરતાં પોતાનો જીવ ખોયો છે. 'જર્નાલિઝમ વિધાઉટ ફીયર ઓર ફેવર' — આ થીમ ૨૦૨૦માં નક્કી કરવામાં આવી હતી. ૨૦૨૧ના વર્ષની થીમ 'ઇન્ફોર્મેશન એઝ એ પબ્લિક ગુડ' છે. મિડીયામાં ઇન્વેસ્ટીગેશન જર્નાલિઝમને ઉંચુ સ્થાન આપવામાં આવેલું છે. પહેલાં પ્રિન્ટ જર્નાલિઝમ એટલે કે અખબારોનો જન્મ થયો હતો ત્યારબાદ રેડિયો, ઇલેકટ્રોનિક અને ડીજીટલ જર્નાલિઝમનો ઉદય થયો છે. સમય સાથે જર્નાલિઝમની દિશા બદલાતી ગઇ છે. છેલ્લા સવા વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણની મહામારી ફેલાયેલી છે. ભારતમાં આ મહામારી જીવલેણ બની રહી છે ત્યારે ગયા વર્ષે એટલે કે ૨૦૨૦માં આ મહામારીનો ભોગ ૧૦૧ પત્રકારો બન્યાં હતા. આ વર્ષે ૨૦૨૧માં બે મહિનામાં ૫૫ જેટલા પત્રકારોએ જીવ ગુમાવ્યા છે તેમ છતાં તેમના પરિવારજનોને સરકાર તરફથી કોઇ આર્થિક સહાય ચૂકવવામાં આવી નથી. આ પરિવારોને નિઃસહાય છોડી દેવામાં આવ્યા છે.

પત્રકારો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે

ઇતિહાસ છે કે ૧૯૯૦માં આફ્રિકાના પત્રકારોએ આઝાદીની પહેલ કરી હતી. ભારત સહિત વિશ્વના ઘણાં દેશોમાં પત્રકારો પર હુમલા, અત્યાચાર થાય છે. એ ઉપરાંત મિડીયા હાઉસના એડિટર, પ્રકાશક અને પત્રકારોને ડરાવવામાં આવે છે. ધમકી આપવામાં આવે છે. પત્રકારોની હત્યા પણ થાય છે. આ તમામ નકારાત્મકતા સામે પ્રેસની આઝાદીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પત્રકારો પર હુમલાની સંખ્યા વધતી જાય છે. ઇન્વેસ્ટીગેશન રિપોર્ટીંગ ભારતમાં પડકારજનક બન્યું છે. રાજકીય પાર્ટીઓ અને તેમના મળતિયાઓ પત્રકારોને ધમકી આપી રહ્યાં છે. ઘણી વખત પ્રેસની આઝાદી છીનવી લેવામાં આવે છે ત્યારે આત્મા પર કુઠારઘાત થાય છે. ભારતના રાજયોમાં પત્રકારો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને જયારે કોમી તોફાનો થાય છે, રાજકીય સરઘસ કે રેલી અથવા તો પબ્લિક ચળવળ દરમ્યાન રિપોર્ટીંગ કરી રહેલા પત્રકારો કોઇના હુમલાનો ભોગ બને છે. ગુજરાત સહિતના કેટલાક રાજયોમાં તો પત્રકારોના મર્ડર પણ થયાં હોવાનું ધ્યાને આવેલું છે.

૧૮૦ દેશમાં ભારતનું સ્થાન આટલું કમજોર કેમ છે?

વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઇન્ડેક્ષ-૨૦૨૦માં ભારતનું સ્થાન ૧૮૦ દેશોની વચ્ચે ૧૪૨ના ક્રમાંકે છે. વિશ્વમાં ભારતનું મિડીયા સૌધી વધુ ખતરનાક દેશોમાં છે, જયાં પત્રકારોને તેમનું કામ સુવિધાજનક કરવા માટે અનેક પરેશાની ભોગવવી પડે છે. ભારત, બ્રાઝીલ અને મેકિસકો અત્યંત ખરાબ શ્રેણીમાં આવે છે. ૨૦૦૪માં ભારતનું સ્થાન ૧૨૦માં ક્રમે હતું જે ૨૦૦૫માં ૧૦૬ ક્રમાંકે આવ્યું હતું. ૨૦૧૪માં આ સ્થાન ૧૪૦ સુધી પહોંચી ગયું હતું. દેશના ખરાબ રેન્કીંગમાં સૌથી મોટો હાથ કાશ્મિર અને છત્તીસગઢમાં પત્રકારો સાથે થયેલી હિંસાનો છે. દેશમાં ન્યૂઝના કવરેજ દરમ્યાન પત્રકારોને પોલીસ હિંસા, રાજનૈતિક કાર્યકરો અને ગુનેગારોની ગેન્ગના હુમલાનો સામનો કરવો પડે છે. આ ઇન્ડેક્ષ રિપોર્ટર વિધાઉટ બોર્ડર્સ નામના એક બિન સરકારી સંગઠન દ્વારા જાહેર કરવામાં આવે છે જે વિશ્વના ૧૮૦ દેશોમાં મિડીયા અને પ્રેસની સ્વતંત્રતા દર્શાવે છે. આ સંગઠનનું મુખ્યાલય પેરિસમાં છે. છેલ્લા ઇન્ડેક્ષ પ્રમાણે પહેલા સ્થાને નોર્વે, બીજાક્રમે ફિનલેન્ડ અને ત્રીજાસ્થાને ડેનમાર્ક હતું. આ યાદીમાં છેલ્લા એટલે કે ૧૮૦જ્રાક્ન સ્થાને ઉત્ત્।ર કોરિયા આવે છે. રિપોર્ટર વિધાઉટ બોર્ડર્સ નામનું આ સંગઠન સાર્વજનિક હિતમાં સંયુકત રાષ્ટ્ર, યૂનેસ્કો, યૂરોપિય પરિષદ, ફ્રેંકોફોનીના આંતરરાષ્ટ્રીય સંગઠન તેમજ માનવ અધિકારો પર આફ્રિકી આયોગની સાથે સલાહકારની ભૂમિકા નિભાવે છે.

લોકશાહીના ૩ સ્તંભને જોડવાનું કામ ચોથા સ્તંભનું છે

ભારતમાં પત્રકારો પ્રત્યે ધૃણાની જે ભાવના જન્મી છે તે સૌથી ખતરનાક સાબિત થઇ રહી છે. જયારે પણ કોઇ પત્રકારની હત્યા થાય છે કે તેની પર હુમલો થાય છે ત્યારે સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવે છે કે તે પત્રકારની સલામતી માટે ખાસ વ્યવસ્થા ગોઠવાશે પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર યુદ્ઘ કે સંઘર્ષ જેવી પરિસ્થિતિ નહીં પરંતુ કોઇ ભ્રષ્ટાચાર કે ગોટાળાની ખબરોની તપાસ કરવામાં પણ પત્રકારોના જીવનું જોખમ રહેલું છે. ખરેખર તો ભારતમાં પત્રકારોને ફરજ દરમ્યાન પોતાનો જીવ જોખમમાં મૂકવાની આવશ્યકતા માત્ર માઓવાદથી અસરગ્રસ્ત વિસ્તારો જ નહીં પણ સામાન્ય જણાતા શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ રહે છે. ખાસ કરીને આવા વિસ્તારોમાં ગુનાખોરી સાથે સંકળાયેલા તત્વો અંગે જાણકારી બહાર લાવવામાં આવે કે પછી આવા તત્વો વિરૂદ્ઘ સાહસપૂર્વક લખનાર પત્રકારોને કયારેય સીધા હુમલામાં કે પછી કોઇ અકસ્માતનું સ્વરૂપ આપીને મારી નાંખવામાં આવે છે. પત્રકારની જવાબદારી સત્યને સામે લાવવાની હોય છે એ સંજોગોમાં જો કોઇ પત્રકારને ધાકધમકી કે રોકવાનો પ્રયાસ થાય તો તે સત્યને રૃંધવાનો પ્રયાસ ગણાય છે. ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને વિધાનમંડળને લોકશાહીના ત્રણ સ્તંભ માનવામાં આવે છે તે વિશ્વસનિયતા અને જવાબદારીના આધારે મિડીયાને પણ લોકશાહીના ચોથા સ્તંભ તરીકે જોવામાં આવ્યો છે. મિડીયાને આવું માનવંતુ સ્થાન મળ્યું છે, કારણ કે તે સમાજનો આઇનો છે. મિડીયા એ તો ત્રણ સ્તંભોને જોડવાનું કામ કરે છે, એટલે તેનું મહત્વ વધી જાય છે.

પ્રેસની સ્વતંત્રતા પર મોટો પડકાર ઉભો થયો છે

ગ્રેટ બ્રિટનમાં ગૃહયુદ્ઘ દરમ્યાન વિજયી સાંસદોએ પ્રેસ પર પ્રતિબંધ લગાવવાનો પ્રારંભ કર્યો હતો. પ્રેસ પર લગાવેલી સેન્સરશીપના પ્રતિરોધમાં જોન મિલ્ટને તેમની વિશ્વખ્યાત બુક એરોપેજીટિકામાં વિચારો વ્યકત કર્યા છે. મિલ્ટને એક જગ્યાએ નોંધ્યું છે કે—મને બઘી સ્વતંત્રતાઓથી સર્વોચ્ચ મારા વિચારો, સમજ, ચિંતન અને વિશ્વાસને નિર્ભિકરૂપે બોલવાની સ્વતંત્રતા આપવામાં આવે. અન્ય દેશોમાં પણ સમયાંતરે પ્રેસ પર નિયંત્રણો લાદવામાં આવેલા છે. ૧૭૮૧માં હિકી નામના બંગાળના અખબાર પર વોરેન હેસ્ટીંગ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ૧૮૩૫માં લોર્ડ મૈટકાફે ભારતીય પ્રેસને સરકારી પ્રતિબંધથી મુકિત અપાવી હતી. ભારતમાં જયારે ૧૯૭૫માં ઇમરજન્સી લાગુ કરવામાં આવી ત્યારે અખબારો પર કડક પગલાં લેવામાં આવ્યા હતા તેમજ તેમની સ્વતંત્રતા પર પ્રતિબંધ લગાવાયો હતો. પ્રેસ પર સૌથી વધારે કડક તાનાશાહી નાઝીવાદી જર્મન તેમજ ફાસીવાદી ઇટાલીમાં જોવા મળી હતી. પ્રેસની સ્વતંત્રતા એક પવિત્ર વિશેષાધિકાર છે પરંતુ તેનો સુચારૂ રૂપથી ઉપયોગ કરવા માટે ધૈર્ય અને વ્યવહાર કુશળતાની આવશ્યકતા હોય છે. આજે તો સામાન્યત મિડીયા રાજનૈતિક દળોથી સબંધિત જોવા મળે છે. ભારતમાં પણ યલો જર્નાલિઝમની સાથે બ્લેકમેઇલ વધી ગયું છે તેથી પ્રેસથી સ્વતંત્રતા પર પડકાર ઉભો થયો છે.

બિનઅનુભવી અને સ્વચ્છંદી પત્રકારો ફિલ્ડમાં

ઇતિહાસ સાક્ષી છે કે આઝાદી પહેલાં અને પછી મિડીયાએ સશકત ભૂમિકા નિભાવી છે. હાલના સમયમાં અધિકારોનો ઉપયોગ અને અનુકૂળ વાતાવરણ મિડીયાનો મૌલિક અધિકાર છે પરંતુ તેમાં કેટલીક ફરજો નિયત કરવામાં આવેલી છે. અધિકાર અને ફરજનો મિશ્રણ જ મિડીયાને સ્વતંત્રતા રાખી શકે છે. સનસની માટે કોઇ જગ્યા નથી. અફવાઓ ફેલાવવી એ આત્મધાતી પત્રકારત્વ છે. મિડીયાની વિશ્વસનિયતા માટે માહિતીની પુષ્ટી સૌથી મોટો આધાર હોય છે. આજે સ્થિતિ બદલાઇ છે. પ્રેસની આઝાદીનો વારંવાર દુરપયોગ થઇ રહ્યો છે. દિશાહિન પત્રકારિતાએ લોકતંત્રના ચોથાસ્તંભના દાયિત્વને બદલ્યું છે. આઝાદીનો મતલબ લોકોને ડરાવવાનો હોતો નથી. તીવ્ર ગતિથી વધી રહેલા બજારવાદને કારણે આજે પ્રેસની આઝાદીના વલણ બદલાઇ ગયા છે. તાલીમ વિનાના પત્રકારો મેદાનમાં આવી ગયા છે જેમના માટે વ્યવહારમાં સૌજન્યની કિંમત નથી. જર્નાલિઝમની સ્કૂલમાંથી પાસ આઉટ થયેલા ઉમેદવારોને યોગ્ય જગ્યાએ નોકરી મળતી નથી. ઓછા પગારથી બિન અનુભવી અને સ્વચ્છંદી પત્રકારોનો પ્રવાહ શરૂ થયો છે જેમને તેમની ભાષાનું પણ પુરતું જ્ઞાન નથી. અનુભવ તો કાર્ય કરતાં આવી શકે પરંતુ ઘટનાની ઉંડાણમાં જઇ શકાય તેટલું નોલેજ તેમની પાસે નથી. અધુરાં અને ઝડપી ન્યૂઝ રિપોર્ટે પત્રકારિત્વની દશા અને દિશા બદલી નાંખી છે જેનો ભોગ સમગ્ર મિડીયા જગત બની રહ્યું છે.

સચ્ચાઇ અને બુરાઇ વચ્ચેની ભેદરેખા કઠીન બની

પત્રકારત્વને ત્રણ હિસ્સામાં વહેંચી શકાય છે. એક આઝાદી પહેલાનું, બીજું આઝાદી પછીનું અને ત્રીજું ટેકનોલોજીના આવિશ્કાર પછીનું પત્રકારત્વ. આ ત્રણેયમાં ભેદરેખા એક જ છે અને તે મિશન અને વ્યવસાયિકરણ છે. ફિલ્મ હોય, પત્રકારત્વ હોય કે રાજકારણ હોય— તમામ લોકો આ સમાજમાંથી પેદા થયેલા છે તેથી આ ત્રણેયમાં સચ્ચાઇ અને બુરાઇ હોય છે. આઝાદી પહેલાના પત્રકારત્વમાં એક મિશન હતું જે આજે મિડીયા ઇન્ડસ્ટ્રીઝના નામે ઓળખાય છે. એવું નથી કે સમગ્ર મિડીયા જગતમાં બુરાઇનું સામ્રાજય છવાયેલું છે. મોટાભાગના અખબારો, ટીવી ચેનલો અને ડિજીટલ ન્યૂઝ પોર્ટલ હકારાત્મક રીપોર્ટિંગથી સમાજને જીવંત રાખે છે. વિશ્વસનિયતા પણ ટકાવી રાખી છે પરંતુ સૂકા ભેગું લીલું પણ બળી જાય એ કહેવત પ્રમાણે સચ્ચાઇ ઉપર જૂઠ હાવી થઇ જાય ત્યારે બદનામ આખી ઇન્ડસ્ટ્રીઝ થાય છે. આજે પણ કેટલાક પત્રકારો પ્રામાણિકતા અને સમાજના ઉચ્ચ મિશન માટે કાર્યરત છે.

સોશ્યલ મિડીયા સામે વિશ્વસનિયતાનો પડકાર

વિશ્વમાં સામાજીક સ્તરે પત્રકારત્વની શરૂઆત 27 BC – 14 ADમાં રોમથી થઇ હતી. આ સમયે પ્રથમ દૈનિક અખબાર  “Acta Diurna” (દિવસની ઘટનાઓ) શરૂ થયું હતું. ખરેખર તે એક પથ્થર કે ધાતુની પટ્ટી સ્વરૂપે હતું જેના પર સમાચાર લખવામાં આવતા હતા. આ પટ્ટીઓને રોમના મુખ્ય સ્થાનો પર રાખવામાં આવતી હતી. ભારતમાં પ્રાચીનકાળમાં ઢંઢેરો પીટીને લોકો સુધી સમાચાર પહોંચાડવાની પ્રથા હતી જેમાં પછીથી ભીંતપત્રો શરૂ થયાં હતા. સૌ પ્રથમ મુદ્રીત અખબાર ઇ.સ. ૧૭૭૬માં ઇસ્ટ ઇન્ડિયા કંપની વતી તત્કાલિન અધિકારી વિલેમ બોલ્ટસે શરૂ કર્યું હતું. મહાત્મા ગાંધીજીએ નવજીવન પત્ર શરૂ કર્યું હતું, જેણે આઝાદીની લડત અને સમાજોત્થાન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. અખબારો પછી રેડીયો અને ટીવી શરૂ થયાં અને તેમાં સમાચારો વહેતા કરવામાં આવ્યા હતા. હવે સોશ્યલ મિડીયાનો જમાનો આવ્યો છે, જેમાં વિશ્વસનિયતા સામે પ્રશ્નાર્થ ઉભો થયેલો છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(9:50 am IST)