મુખ્ય સમાચાર
News of Friday, 3rd April 2020

વહેલી સવારે ૩ સુધી બેઠકોના દોરઃ મોદીનું સતત મોનીટરીંગ

કોરોના સામે લડવા વડાપ્રધાન દિવસ-રાત એક કરે છેઃ સવારે ૩ પછી પણ બેઠકો યોજે છેઃ મોડી રાત સુધી બેઠકોના દોર ચાલુ રહે છેઃ સતત અપડેટ લેતા રહે છેઃ પીએમ નિષ્ણાંતોની ૧૧ કોર ટીમો સાથે કામ કરે છેઃ જે ૨૪ કલાક મિશન મોડમાં હોય છેઃ નિષ્ણાંતોની ટીમમા ડોકટરો, અર્થશાસ્ત્રીઓ, જૈવ વિજ્ઞાનિકો, મહામારી નિષ્ણાંતો વગેરે હોય છેઃ દેશ-વિદેશના આંકડા સતત લેતા રહે છે

નવી દિલ્હી, તા. ૩ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોના સામે લડવા દિવસ-રાત એક કરી રહ્યા છે. પીએમઓના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી લગભગ સવારે ૩ વાગ્યા સુધી કે પછી તેનાથી પણ વધુ સમય સુધી જાગીને મોનીટરીંગ કરતા હોય છે. બેઠકોના દોર મોડી રાત સુધી ચાલતા હોય છે. આ બેઠકોમાં પીએમ ઉચ્ચસ્તરીય સમુહો તરફથી મહામારીને રોકવા માટે ઉઠાવવામાં આવતા પગલાની સમીક્ષા કરે છે. ૭ લોક કલ્યાણ માર્ગ સ્થિત પોતાના કેમ્પ કાર્યાલયથી સતત વિડીયો કોન્ફરન્સીંગ કરી અને ટોચના કેબીનેટ પ્રધાનો સાથે ચર્ચા કરવા ઉપરાંત પીએમ મોદી નિષ્ણાંતોની ૧૧ કોર ટીમો સાથે કામ કરી રહ્યા છે. આ ટીમો ૨૪ કલાક મિશન મોડમાં કામ કરી રહી છે.

પીએમ નિષ્ણાંતોની ટીમ કે જેમાં ડોકટરો, જૈવ વિજ્ઞાનિકો, મહામારી નિષ્ણાંતો અને અર્થશાસ્ત્રીઓ સામેલ છે. તેમની સાથે સંપર્કમાં રહે છે. તમામ નિષ્ણાંતો અલગ અલગ સમુહમાં કામ કરે છે. પીએમઓના સૂત્રોના કહેવા મુજબ હાલ પીએમ ઈમરજન્સી મેડીકલ મેનેજમેન્ટ પ્લાન ઉપર વધુ ફોકસ કરે છે. આ ટીમનું નેતૃત્વ નીતિ આયોગના સભ્ય ડો. પોલ કરી રહ્યા છે. આ ટીમમા મોદીના સહયોગી અને પીએમઓમાં અધિકારી રાજેન્દ્ર કુમાર પણ છે. પીએમ મોદી રોગ નિયંત્રણ, ટેસ્ટીંગ અને હોસ્પીટલ તથા કોરન્ટાઈનની વ્યવસ્થા પર પણ ધ્યાન આપી રહ્યા છે.

પીએમ મોદીના એક વિશ્વાસુ અધિકારીના કહેવા મુજબ પીએમ મિશન મોડમાં કામ કરી રહ્યા છે. તેઓ દેશ જ નહિ દુનિયામાં કોરોના વાયરસ સાથે જોડાયેલા આંકડા ઉપર નજર રાખી રહ્યા છે એટલે કે કેટલા પોઝીટીવ મળ્યા ? કેટલા લોકોની તપાસ થઈ ? કેટલા સ્વસ્થ થયા ? જેવા અપડેટ લેતા હોય છે. ૧૧ કોર ગ્રુપ પીએમઓને સતત માહિતી આપતુ રહે છે. આમ છતા પીએમ મોદીના અગ્રસચિવ પી. કે. મિશ્રા નિષ્ણાંતોના સંપર્કમાં રહે છે. બીજા ઓફિસર છે એ.કે. શર્મા તેઓ પણ સતત દોડી રહ્યા છે.

સૂત્રોનું કહેવુ છે કે કોરોનાને રોકવા બેઠકોમાં ચર્ચા અને જરૂરી નોટનું આદાનપ્રદાન મિશ્રા અને નિષ્ણાંતોની ટીમો વચ્ચે થાય છે, પરંતુ મહત્વના નિર્ણયો તત્કાલ લેવા પડે તેવી સ્થિતિ પર પીએમ મોદીને આ વાતચીતમાં સામેલ થવા થોડો જ સમય લાગે છે.

એક અધિકારીને કહેવા મુજબ મીટીંગોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ રખાય છે. પીએમ ખુદ પાલન કરી રહ્યા છે. પીએમ મોદીને લડાઈ લડવા ખાનગી અને બીનસરકારી સંગઠનો, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સામાજિક સમુહોનું યોગદાન મળી રહ્યુ છે.

પીએમ મોદી લોકડાઉન દરમિયાન પોતાના ઘરમાં જ રહે છે અને સતત બીઝી રહે છે. તેઓ સમય કાઢીને ટીવી ચેનલો જોવે છે. આવતા બે સપ્તાહ મહત્વના છે તેવુ પીએમઓના સૂત્રોનુ કહેવુ છે.

(11:19 am IST)