મુખ્ય સમાચાર
News of Friday, 3rd April 2020

પશ્ચિમ બંગાળ અને આસામમાં 500થી વધુ તબલિગી જમાતના લોકો લાપતા: કેટલાકે સીમકાર્ડ બદલી નાખ્યા

બંગાળમાં 400 અને આસામમાં 117થી વધુ લોકો લાપતા

નવી દિલ્હીમાં નિઝામુદ્દિન દરગાહમાં ગયા મહિને યોજાયેલા તબલિગી જમાતના કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી હજારો મુસ્લીમો એકત્ર થયા હતા. પશ્ચિમ બંગાળમાંથી ૪૦૦થી વધુ લોકો જ્યારે આસામમાંથી ૧૧૭થી વધુ લોકોએ પણ આ સંમેલનમાં ભાગ લીધો હતો. આ લોકો હાલ આશ્ચર્યજનક રીતે લાપતા છે. કોવિડ-૧૯ સામેની લડતમાં લોકડાઉનના સમયમાં ધાર્મિક સંમેલન યોજવા બદલ સરકારની નજરમાં આવેલ આ કાર્યક્રમમાંથી પશ્ચિમ બંગાળમાં પાછા ફરેલા ૪૦૦થી વધુ લોકોને તંત્ર હજી સુધી ઓળખી શક્યું નથી કે તેમને શોધી શક્યું નથી. એક અહેવાલ મુજબ લાપતા લોકોમાંથી કેટલાકે તેમના સીમ કાર્ડ બદલી નાંખ્યા હોવાથી તેમને શોધવા ખૂબ જ મુશ્કેલ છે.

કેન્દ્ર અને રાજ્યની સલામતી સંસ્થાઓ તેમજ સ્વાસ્થ્ય સંસ્થાઓ માટે ચેતવણીની સ્થિતિ સર્જાઈ છે. તેમણે તબલિગી જમાતના આ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોને ઓળખીને તેમને ક્વોરન્ટાઈન કરવાનું શરૃ કર્યું છે. ગૃહમંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળમાંથી અંદાજે ૪૭૩ જેટલા તબલિગીઓ નવી દિલ્હીમાં હાજર હતા. જેમાંથી તંત્રે ૭૩ની ઓળખ કરી લીધી છે. પરંતુ ૪૪ વિદેશીઓ સહિત ૪૦૦ લોકો લોકો હજી લાપતા છે. ૪૪ વિદેશીઓમાં મ્યાંમાર, મલેશિયા અને ઈન્ડોનેશિયાના લોકોનો સમાવેશ થાય છે.

બીજીબાજુ આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિશ્વા શર્માએ જણાવ્યું હતું કે આસામમાં કોવિડ-૧૯ના ૧૩ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ બધા લોકોએ દિલ્હીમાં તબલિગી જમાતના સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે નવી દિલ્હીના સંમેલનમાં હાજરી આપનારા ૧૧૭ લોકોને શોધી શકાયા નથી. તેથી અમે દિલ્હીના સંમેલનમાં હાજર રહેનારા લોકોના નામ જાહેર કર્યા છે. જેથી તેમના સંપર્કમાં આવનારા લોકો સરકારને આ અંગે માહિતી આપી શકે.

દરમિયાન નિઝામુદ્દીન દરગાહમાં ધાર્મિક સંમેલન યોજનારા તબલિગી જમાતના નેતા મૌલાના સાદ સામે પોલીસે એફઆઈઆર નોંધી છે અને સમગ્ર દેશમાં તેમની શોધખોળ શરૃ કરી છે. આવા સમયમાં ગુરુવારે મૌલાના સાદે જણાવ્યું હતું કે તેઓ ડોક્ટરોની સલાહ પર સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. એક ઓડિયો ક્લિપમાં મૌલાના સાદે જણાવ્યું હતું કે, આ કટોકટીમાં અમે સરકારને મદદ કરવા તૈયાર છીએ. ડોક્ટરોની સલાહને પગલે હું પોતે દિલ્હીમાં સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયો છું.

(9:07 am IST)