મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

મહારાષ્ટ્રમાં ફરીવાર કોરોનાએ કહેર વર્તાવ્યો : નવા 9855 કેસ નોંધાયા : એકલા મુંબઈમાં 1121 કેસ

રાજ્યમાં કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 21,69,330 થઈ ગઈ

મુંબઈ : મુંબઈમાં ફરીવાર કોરોના વાયરસનો કહેર વધ્યો છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોમાં નવા કેસની સંખ્યામાં અચાનક વધારો થયો છે. જેમાં બુધવારે મહારાષ્ટ્રમાં લગભગ 10 હજાર નવા કોરોના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના આંકડા મુજબ બુધવારે રાજ્યમાં 9,855 કેસ નોંધાયા હતા. જ્યારે મુંબઈમાં 1,121 કોરોના કેસ મળી આવ્યા હતા.

મંગળવારે કોરોના વાયરસના નવા 7,863 કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 21,69,330 થઈ ગઈ છે. આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોવિડ-19 દર્દીઓની રિકવરી રેટ 93.89 ટકા છે અને મૃત્યુ દર 2.41 ટકા છે. રાજ્યમાં હાલમાં 79,093 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જ્યારે મંગળવારે મુંબઈમાં ચેપના નવા 849 કેસ નોંધાયા છે.

તાજેતરમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાના વધતા જતા કેસો પર લોકડાઉનની ચેતવણી આપી હતી. ઠાકરેએ કહ્યું હતું કે તેઓ લોકડાઉન લાદવા માંગતા નથી. આ અગાઉ ઉદ્ધવ ઠાકરેએ ફેબ્રુઆરીના મધ્યમાં કહ્યું હતું કે જો કોરોનાના કેસ અટકશે નહીં તો તેઓ લોકડાઉન લાદવાનો નિર્ણય લઈ શકે છે. આ માટે તેમણે રાજ્યની જનતાને સાવધાન રહેવાની અપીલ કરી હતી.

મહારાષ્ટ્રમાં માસ્ક ન પહેરતા લોકો સામે પોલીસે કડકતા બતાવવાનું શરૂ કર્યું છે. મુંબઈ પોલીસ કમિશનર પરમવીરસિંહે માસ્ક ન પહેરતા લોકો વિરુદ્ધ અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે અને પોલીસને દરેક ઝોનમાં નિયમોનું ઉલ્લંઘન કરતા ઓછામાં ઓછા 1000 લોકો પાસેથી દંડ વસૂલવા જણાવ્યું છે. મુંબઈને 12 પોલીસ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને કોવિડ -19 નિયમો હેઠળ માસ્ક ન પહેરતા લોકો પાસેથી 200 રૂપિયા દંડ વસૂલવાની સિટી પોલીસને સત્તા આપવામાં આવી છે. મહાનગરમાં કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે સિંહે પોલીસને જાહેર સ્થળોએ માસ્ક ન પહેરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

(11:57 pm IST)