મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

ખેડૂત આંદોલન લાંબુ ચાલે તેવા એંધાણ:ઉનાળાને ધ્યાને લઈને પાકા ઓરડા બાંધવાનુ શરુ : કૂલર અને પંખા પણ લગાવવાશે

દિલ્હીની ટીકરી બોર્ડર પર શિયાળાની જેમ ઉનાળો પણ પસાર કરવા ખેડૂતો તૈયાર

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે અને આ આંદોલન લાંબુ ચાલે તેવા ભણકારા વાગી રહ્યા છે.

બીજી તરફ આકરી ગરમી શરુ થઈ ગઈ છે અને હજી ઉનાળાનો સામનો કરવાનો બાકી છે ત્યારે દિલ્હીની ટીકરી બોર્ડર પર ખેડૂતોએ હવે પાકા ઓરડા બાંધવાનુ શરુ કરી દીધુ છે. જેમાં કૂલર અને પંખા પણ લગાવવામાં આવશે.

ખેડૂતોનુ કહેવુ છે કે, જે રીતે અમે ઘર બનાવીએ છે તે જ રીતે આ ઓરડા બનાવવામાં આવી રહી છે. જેમાં સારી ક્વોલિટીના મટિરિયલનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જેથી ઓરડા વધારે પાકા બને.

ખેડૂતોનુ કહેવુ છે કે, શિયાળાની જેમ ઉનાળો પણ બોર્ડર પર પસાર કરવા માટે અમે તૈયાર છે જ્યાં સુધી નવા કાયદા રદ નહીં થાય ત્યાં સુધી અહીંથી અમે હટવાના નથી. ધરણા ચાલુ રહેશે. ખેડૂતોએ ધરણા પર બેસવાની સાથે સાથે ખેતીનુ ધ્યાન રાખવા માટે વ્યવસ્થા કરી લીધી છે. એક વખત કાપણી થઈ જાય તે પછી મોટી સંખ્યામાં ખેડૂતો ફરી ધરણા પર બેસવા પાછા ફરશે.

ખેડૂતોના આગેવાન રાકેશ ટિકૈત દ્વારા 22 માર્ચ સુધી દેશના વિવિધ રાજ્યોમાં પ્રદર્શન કરીને ખેડૂતોનુ સમર્થન મેળવવાની યોજના બનાવાઈ છે

(9:02 pm IST)