મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

ભારત બાયોટેકની કોરોના વેક્સીન 81 ટકા અસરકારક : ત્રીજા તબક્કામાં કોવેક્સિનના આવ્યા શાનદાર આંકડા

ત્રીજા તબક્કાનો ટ્રાયલ પૂરો ના થવા પર એક્સપર્ટ્સ અને રાજકીય પાર્ટીઓએ પ્રશ્નો ઉઠાવ્યા હતા : બ્રિટનમાંથી મળેલા નવા સ્ટ્રેનથી બચાવવામાં કારગર

નવી દિલ્હી : ભારત બાયોટેકની કોરોના વેક્સિન ત્રીજા તબક્કામાં 81 ટકા અસરદાર સાબિત થઈ છે. કંપનીએ બુધવાર સાંજે નિવેદન જાહેર કરીને આની જાણકારી આપી છે. ભારત સરકારે કેટલાક મહિના પહેલા 2 કંપનીઓના કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. સીરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન જ દેશમાં લોકોને લગાવવામાં આવી રહી છે. જ્યારે સરકારે ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી તે સમયે આના ત્રીજા તબક્કાનો ટ્રાયલ પૂરો ના થવા પર એક્સપર્ટ્સ અને રાજકીય પાર્ટીઓએ પ્રશ્નો ઉઠાવ્યા હતા

હૈદરાબાદની કંપની અનુસાર ટ્રાયલમાં 25,800 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.આ ભારતમાં ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ થનારાઓની અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. કંપનીએ ક્લિનિકલ ટ્રાયલ ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચની મદદથી પૂર્ણ કર્યો. ઉલ્લેખનીય છે કે કોવેક્સિનના ઉપયોગને લઇને વિપક્ષ તરફથી ઘણા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ હતી, જેમાં લાભાર્થીઓને કોવેક્સિન અને કોવિશીલ્ડની રસી લગાવવામાં આવી હતી

 

આ પહેલા જાન્યુઆરીમાં કોવેક્સિનનો એક સમીક્ષા રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતુ કે ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સિન રસી બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા રૂપથી બચાવમાં કારગર છે. 'બાયોઆરએક્સિવ્સ' દ્વારા પ્રકાશિત પહેલા સમીક્ષા રિપોર્ટમાં રસી વિશે જણાવવામાં આવ્યું. તે ન્યુયોર્કમાં શૈક્ષણિક સંસ્થા કોલ્ડ સ્પ્રિંગ હાર્બર લેબોરેટરી દ્વારા સંચાલિત છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ભારત બાયોટેકે વેક્સિન લેનારા 26 વોલિયન્ટર્સથી સંગ્રહિત લોહી પર રિડક્શન ન્યૂટ્રલાઇઝેશન ટેસ્ટ (PRNT 50) કર્યું. આમાં બ્રિટનમાં મળેલા વાયરસના નવા સ્વરૂપ અને અન્ય સ્ટ્રેનના વિરુદ્ધ આના કારગર રહેવાની તપાસ કરવામાં આવી. 'બાયોઆરએક્સિવ્સ' વેબસાઇટ પર સમીક્ષામાં કહેવામાં આવ્યું કે, 'બ્રિટનના વાયરસ અને હેટ્રોલોગસ સ્ટ્રેનની વિરુદ્ધ આ સમાન રીતે અસરકારક રહી.' ઉલ્લેખનીય છે કે કોવેક્સિન પૂર્ણ રીતે સ્વદેશી રસી છે, જેને ભારત બાયોટેકે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજી (NIV)ની સાથે મળીને તૈયાર કર્યો છે.

(8:54 pm IST)