મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

વધુ ૧.૨૭ લાખ હેકટરમાં સુક્ષ્મ સિંચાઇ કરાશે : નર્મદાના કામો માટે રૂા. ૭૩૭૦ કરોડની જોગવાઇ

કલ્‍પસર માટે ૧૫૦૧ કરોડ : આશીર્વાદરૂપ ભાડભૂત યોજના

ગાંધીનગર તા. ૩ : નર્મદા નદીનું મીઠુ પાણી અત્‍યારે ભરૂચ પાસે બિન ઉપયોગી રીતે દરીયામાં વહી જાય છે. તેનો સંગ્રહ કરી મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્‍તારની ખારી થતી જમીનને બચાવવા અને આ વિસ્‍તારમાં દરિયાઇ ભરતીના કારણે ખારા થતાં પાણીની ગુણવત્તા સુધારવા ભરૂચ અને અંકલેશ્વર પાસે આવેલ ભાડભૂત નજીક નર્મદા નદી ઉપર રૂા. ૫૩૨૨  કરોડની અંદાજીત ખર્ચની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરેલ છે.

સૂક્ષ્મ સિંચાઇ યોજનાનું અમલીકરણ કરવા માટે મે-૨૦૦૫થી ગુજરાત ગ્રીન રિવોલ્‍યુશન કંપનીની સ્‍થાપના કરવામાં આવેલ છે. રાજ્‍ય સરકારની આ કંપની દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્‍ટમ નંખાવનાર વિવિધ વર્ગના ખેડૂતોને ૭૦ થી ૯૦ ટકા સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લઇ અત્‍યાર સુધીમાં ઓગણીસ લાખ સડસઠ હજાર હેકટર જમીનમાં ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઇ વ્‍યવસ્‍થા ઉભી કરેલ છે. સૂક્ષ્મ સિંચાઇ વ્‍યવસ્‍થાનો અમલ કરવામાં ગુજરાત રાજ્‍ય દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી વર્ષે વધુ એક લાખ સત્‍યાવીસ હજાર હેકટર વિસ્‍તાર સૂક્ષ્મ સિંચાઇ પધ્‍ધતિ હેઠળ આવરી લેવા માટે જોગવાઇ રૂા. ૬૭૯ કરોડ.  રાજ્‍યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના થકી નર્મદાનું પાણી ૧૭ લાખ ૯૨ હજાર હેકટર વિસ્‍તારને વાર્ષિક સિંચાઇના હેતુસર પુરૂ પાડવા માટે વિશાળ નહેર માળખાના કામો પૂર્ણતાના આરે છે. મુખ્‍ય નહેરનું કામ ૧૦૦%, શાખા નહેરનું કામ ૯૭%, વિશાખા નહેરનું કામ ૯૫%, પ્રશાખા નહેરનું કામ ૯૧%, અને ખેડૂતોના સહકાર સાથે કરવાની થતી પ્રશાખા નહેરનું કામ ૮૭% પૂર્ણ થયેલ છે. જેના દ્વારા ખરીફ સિઝન દરમિયાન પિયત વિસ્‍તારમાં ખેડૂતોને પુરતું પાણી આપવામાં આવેલ છે અને રવિ સિઝનમાં પાણી આપવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂા. ૭૩૭૦ કરોડની જોગવાઇ કરાયેલ છે.

(3:43 pm IST)