તાપસી પન્નુ- અનુરાગ કશ્યપના ઘરે ઇન્કમટેક્ષના દરોડા
ટેક્ષચોરીના મામલે ‘ફેન્ટમ' ફિલ્મ સાથે સંકળાયેલા લોકો પર કાર્યવાહી હાથ ધરાઇ
નવી દિલ્હી, તા.૩: બોલિવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુ અને મધુ મનટેનાના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. મધુ મનટેનાની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની Kwaanના ઓફિસે પણ આવકવેરા વિભાગના કર્મચારીઓ પહોંચી ગયા છે. શા માટે આટલી આકરી કાર્યવાહી કરવામાં આવી છે તેના વિશે હાલમાં કોઈ માહિતી મળી રહી નથી. એકસાથે આટલી સેલેબ્રિટીના ઘરે દરોડા પડ્યાં ત્યારથી જ બોલિવૂડના સુત્રોનું પણ કહેવું છે કે હવે કંઈક મોટું થવાની પણ સંભાવના છે.
આવકવેરા વિભાગના સૂત્રોનું આ વિશે કહેવું છે કે ટેક્સ ચોરીના મામલે ફેન્ટમ ફિલ્મો સાથે સંકળાયેલા લોકો પર દરોડા પાડ્યા છે. આમાં અનુરાગ કશ્યપ, તાપ્સી પન્નુ, વિકાસ બહલ અને અન્ય સેલેબ્રિટીઓ પણ શામેલ છે. ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા કરચોરીના સંબંધમાં અન્ય ઘણા લોકોની પણ શોધ કરવામાં આવી રહી છે.
આ પહેલાં ૨૦૨૦માં પણ ફ્રેબુઆરી મહિનામાં આવકવેરા વિભાગ દ્વારા બોલિવૂડનાં મોટા પ્રોડક્શન પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કરણ જોહર, એકતા કપૂર સહિત સાત જેટલા પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતાં. પ્રોડક્શન હાઉસ પર એક્સ્ટ્રા આર્ટીસ્ટનાં નામે ટેક્સ ચોરીના આશંકાને કારણે દરોડા પાડવામાં આવ્યા હતા તેવું જાણવા મળ્યું હતું.
આવકવેરા વિભાગે બોલિવૂડનાં સાત જેટલા પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડ્યા હતાં. આ પ્રોડક્શન હાઉસમાં કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન અને એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સનો પણ સમાવેશ થયો હતો. આ દરોડામાં ફિલ્મ અને સીરિયલમાં એક્સ્ટ્રા તરીકે કામ કરતા આર્ટીસ્ટને આપવામાં આવતાં નાણાંમાં ટેક્સ ચોરીની આશંકાના કારણે કરવામાં આવી હતી તેવી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ચર્ચા ચાલી રહી હતી.