મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd February 2021

સિનેમાગૃહોને મંજૂરી પણ દર્શાવા માટે નવી ફિલ્મોના ફાંફાં

મલ્ટિપ્લેકસ સિનેમાગૃહોના માલિકોની આપવિતી, નવી ફિલ્મોના ઇંતેજાર

અમદાવાદ,તા. ૩: કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ૧લી ફેબ્રુઆરીથી તમામ  સિનેમાગૃહોને ૧૦૦ ટકા ક્ષમતા સાથે ખોલવા માટે મંજૂરી  આપવામાં આવી હતી. પરંતુ આ જે પ્રથમ દિવસે મંજૂરી મળી  હોવા છતાં અમદાવાદ સહિત રાજયના અનેક સિનેમાગૃહો બંધ જ  રહ્યાં હતાં. આ ઉપરાંત જે સિનેમાગૃહો ૧૦૦ ટકા ક્ષમતા સાથે  ખોલવામાં આવ્યાં હતાં ત્યાં પણ દર્શકોની સાવ પાંખી હાજરી  જોવા મળી હતી. જેના પાછળનું કારણ નવી ફિલ્મો અને હજુ પણ  દર્શકોમાં કોરોનાનો ખોફ હોવાનું સિનેમાગૃહોના માલિકો  દ્વારા જાણવા મળ્યું છે. જયાં સુધી નવી ફિલ્મો આવે નહી ત્યાં  સુધી દર્શકો પણ શા માટે સિનેમાગૃહોમાં આવે ? તેવો પ્રશ્ન  માલિકોમાં જ જોવા મળ્યો છે. જેથી હાલના તબક્કે તમામ  સિનેમાગૃહોના માલિકો નવી ફિલ્મોનો ઈંતેજાર કરી રહ્યાં છે.

આ અંગે ગુજરાત મલ્ટિપ્લેકસ એસોસિયેશનના સભ્ય રાકેશભાઈ  પટેલે જણાવ્યું હતું કે, એસજી હાઈવે સ્થિત અમારા સિનેમાગૃહમાં  આજે પ્રથમ શોમાં માત્ર ૪ દર્શકો જ આવ્યા હતા. ૫૦ ટકાની ક્ષમતા  સાથે જયારે સિનેમાગૃહ શરૂ કરવામાં આવ્યાં ત્યારે પણ માંડ  ૧૦થી ૧૫ દર્શકો આવતાં હતાં. સરકારે જે નિર્ણય લીધો છે તો  યોગ્ય સમયે જ લીધો છે. માસ્ક, સેનેટાઈઝેશન અને સોશિયલ  ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે તેવી અમે પણ તમામ  સિનેમાગૃહોને અપીલ કરીએ છીએ.   સિટી પલ્સ મલ્ટિપ્લેકસ લિ.ના ચેરમેન િઅપિત મહેતાએ  જણાવ્યું હતું કે, અમારા ૨૦ સિનેમા છે પરંતુ હજુ સુધી શરૂ  કરવામાં આવ્યા નથી. કારણ કે, જયાં સુધી નવી ફિલ્મો નહી આવે  ત્યાં સુધી દર્શકો પણ આવશે નહી તે હકીકત છે. લોકોમાંથી  કોરોનાનો ડર સાવ ઓછો થાય અને દેશના તમામ સિનેમાગૃહો  ધમધમતા નહી થાય ત્યાં સુધી નવી ફિલ્મો આવવાના પણ કોઈ  એંધાણ લાગતા નથી. કારણ કે, પ્રોડયુસરો પણ મોટી સંખ્યામાં  દર્શકો મળી રહેશે તેવા માહોલની રાહ જોઈ રહ્યાં છે. અમદાવાદમાં ૫૦ જેટલા અને ગુજરાતમાં  ૨૫૦ જેટલા મલ્ટિપ્લેકસ આવેલા છે. આ તમામ સિનેમાગૃહો ૧૫મી  માર્ચથી બંધ છે. ગત ૧૫મી ઓકટોબરે ૫૦ ટકાની ક્ષમતા સાથે  મલ્ટિપ્લેકસ ખોલવા માટે છૂટ આપવામાં આવી હતી.

(10:10 am IST)