મુખ્ય સમાચાર
News of Saturday, 3rd February 2018

કાસગંજ હિંસા અંગે વધુ એક આરોપીની કરાયેલી ધરપકડ

ઝડપાયેલા આરોપીની ઓળખ રાહત તરીકે થઇ : સાંપ્રદાયિક હિંસા બાદ કાસગંજમાં હજય વિસ્ફોટક સ્થિતિ

કાસગંજ, તા. ૩ : ઉત્તરપ્રદેશના કાસગંજમાં છેલ્લા થોડા દિવસમાં થયેલી સાંપ્રદાયિક હિંસા બાદ સ્થિતિ હવે ધીમે ધીમે સામાન્ય બની રહી છે. સાંપ્રદાયિક હિંસામાં ચંદન ગુપ્તાની હત્યાના મુખ્ય આરોપીને પકડી લેવામાં આવ્યા બાદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ આરોપીનું નામ રાહત કુરેશી હોવાનું જણાવ્યું છે જે કાસગંજના ઈસ્લાઈલપુર રોડનો નિવાસી છે. આ પહેલા બુધવારના દિવસે પોલીસે આ મામલાના મુખ્ય આરોપી સલીમની ધરપકડ કરી લીધી હતી. પોલીસ સૂત્રોના કહેવા મુજબ સલીમના આવાસથી જ ચંદન પર ગોળી ચલાવવામાં આવી હતી. કાસગંજના મામલામાં પોલીસની આ સફળતા ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ગૃહ મંત્રાલયે છેલ્લા દિવસોમાં કાસગંજ હિંસામાં તપાસ રિપોર્ટની માંગ કરી હતી. ત્યારબાદ એસટીએફ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓના આવાસ ઉપર દરોડા પાડ્યા હતા અને દેશી બોમ્બ તથા પિસ્તોલ સહિત ઘાતક હથિયારોના જથ્થો જપ્ત કર્યો હતો. ૨૬મી જાન્યુઆરીના દિવસે સાંપ્રદાયિક હિંસાની શરૂઆત થઈ હતી. તિરંગા ધ્વજ સાથે કાઢવામાં આવેલી રેલી દરમિયાન નજીવી બોલાચાલી બાદ સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી હતી. જેમાં ચંદન ગુપ્તા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવ્યા બાદ હિંસા વધુ ભડકી ઉઠી હતી.

વ્યાપક દરોડાનો દોર ચાલી રહ્યા હતા. હિંસાના ગાળા દરમિયાન અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. કાસગંજ હિંસામાં અનેક ખાનગી બસો અને સરકારી બસોને આગ ચાંપી દેવાઈ હતી. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. હવે સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.

(7:38 pm IST)