મુખ્ય સમાચાર
News of Saturday, 3rd February 2018

કરણી સેનાનો યુ-ટર્નઃ હવે બધા રાજ્યોમાં પદ્માવત રીલીઝ કરવામાં આવશે 'મદદ'

રાજપૂતોની વિરતાને સમર્પિત ફિલ્મઃ વિરોધ પાછો ખેંચવાનો નિર્ણય

મુંબઇ તા. ૩ : ફિલ્મ પદ્માવતમાં વાંધાજનક દૃશ્યો અને ઈતિહાસ સાથે ચેડા કરાયા હોવાનો મુદ્દો આગળ ધરીને ફિલ્મનો સમગ્ર દેશમાં જોરદાર વિરોધ કરનાર કરણી સેનાએ હવે યુ-ટર્ન લઈ લીધો છે. આટલું જ નહિં, તે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજયોમાં જયાં ફિલ્મ બેન છે ત્યાં ફિલ્મ રીલીઝ કરાવવામાં મદદ કરવાની પણ વાત કરી રહી છે.

શુક્રવારે કરણી સેનાના મુંબઈના અધ્યક્ષ યોગેન્દ્ર સિંહ સહિત અન્ય લોકોએ ફિલ્મ જોઈને કહ્યું કે ફિલ્મમાં વાંધાજનક કશુ જ નથી. આ ફિલ્મ રાજપૂતોની વીરતા અને બલિદાનને મહાન રૂપે દર્શાવે છે અને દરેક રાજપૂતને આ ફિલ્મ પર ગર્વ થાય તેમ છે.

આમ કહીને તેમણે ફિલ્મ સામેનો વિરોધ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. યોગેન્દ્ર સિંહે કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહના દિશાસૂચન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે યોગેન્દ્ર સિંહે એક ચિઠ્ઠી પણ લખી છે.

આ ચિઠ્ઠીમાં તેમણે લખ્યુ કે તેમણે ૨ ફેબ્રુઆરીએ પદ્માવત જોઈ. તેમાં રાજપૂતોની વીરતા અને ત્યાગ સુંદર ચિત્રણ છે. આ ફિલ્મ રાણી પદ્માવતીની મહાનતાને સમર્પિત છે. તેમાં રાણી પદ્માવતી અને ખિલજી વચ્ચે કોઈ સીન નથી. આથી તેઓ ફિલ્મથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે.

આ સાથે કરણી સેનાએ આંદોલનને કોઈપણ શરત વિના પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત આખા ભારતમાં આ ફિલ્મ પ્રદર્શિત કરવામાં મદદ કરશે.(૨૧.૩૦)

(3:34 pm IST)