મુખ્ય સમાચાર
News of Friday, 2nd December 2022

ભારતમાં ખતરનાક ઝિકા વાયરસનો કેસ નોંધાયો ! :ગુજરાત સુધી નીકળ્યું પગેરું

દર્દી તાવ, ઉધરસ, સાંધામાં દુખાવો અને થાકની ફરિયાદ સાથે સારવાર માટે આવ્યો હતો : વિસ્તારમાં મચ્છરોના બ્રીડીંગ માટે ઘરે-ઘરે સર્વે, કન્ટેનર સર્વે કરવામાં આવ્યો

પુણેમાં ઝિકા વાયરસનો એક કેસ નોંધવામાં આવ્યો છે. 16 નવેમ્બરના રોજ દર્દી તાવ, ઉધરસ, સાંધામાં દુખાવો અને થાકની ફરિયાદ સાથે પુણેની જહાંગીર હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. 18 નવેમ્બરે એક ખાનગી લેબમાં ઝિકા વાયરસ મળી આવ્યો હતો.

બીજી તરફ 30 નવેમ્બરે NIV પુણેમાં તપાસ દરમિયાન દર્દીને ઝિકાથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. 22 નવેમ્બરના રોજ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં રોગ નિયંત્રણ કાર્ય યોજના શરૂ કરવામાં આવી હતી. દર્દીની આસપાસના ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ આ વિસ્તારમાં અન્ય કોઈ શંકાસ્પદ દર્દીની પુષ્ટિ થઈ ન હતી.

આ વિસ્તારમાં મચ્છરોના બ્રીડીંગ માટે ઘરે-ઘરે સર્વે, કન્ટેનર સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ અહીં એડીસ મચ્છરોની બ્રીડીંગ જોવા મળી નથી. ઝિકા વાયરસથી સંક્રમિત દર્દી મૂળ નાસિકનો છે અને 6 નવેમ્બરે પુણે આવ્યો હતો. અગાઉ તેઓ 22 ઓક્ટોબરે સુરત ગયો હતો. હાલમાં દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેનામાં કોઈ લક્ષણો નથી.

ઝિકા વાયરસ એ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ રોગ એડીસ મચ્છરના કરડવાથી જ ફેલાય છે. આ મચ્છરો દિવસના સમયે જ વધુ સક્રિય હોય છે. આ વાઈરસથી થતો ઈન્ફેક્શન ખતરનાક છે અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા સુધીની સ્થિતિ આવી જાય છે.

(6:06 pm IST)