મુખ્ય સમાચાર
News of Thursday, 2nd December 2021

તબીબની બેદરકારી

બિહારમાં મોતિયાના ઓપરેશન બાદ ૨૭ દર્દીઓએ આંખ ગુમાવી : હોસ્પિટલ સીલ

મુઝફફરપુરની એક હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન પછી, ૨૭ લોકોને આંખમાં ચેપ લાગ્યો અને આખરે તેમની આંખોની રોશની ગુમાવી દીધી

પટના,તા. ૨ : બિહારના મુઝફ્ફરપુરની એક હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન પછી, ૨૭ લોકોને આંખમાં ચેપ લાગ્યો અને આખરે તેમની આંખોની રોશની ગુમાવી દીધી. આ ઘટના ૨૨ નવેમ્બરના રોજ શહેરના જુરાન છપરા વિસ્તારની આંખની હોસ્પિટલમાં બની હતી. આ ઘટના બાદ હવે હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. પરંતુ દોષિત તબીબ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) એ બુધવારે બિહાર સરકારને એવા અહેવાલો પર એક નોટિસ મોકલી છે કે કેટલાક દર્દીઓની મોતિયાની સર્જરી બાદ તેમની આંખો કથિત રીતે કાઢી નાખવામાં આવી હતી. એનએચઆરસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે એક મીડિયા અહેવાલની સ્વતઃ સંજ્ઞાન લીધી છે કે ૨૨ નવેમ્બરે મુઝફ્ફરપુર આંખની હોસ્પિટલમાં મોતિયાની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી, શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (SKMCH) માં દર્દીઓની આંખો દૂર કરવી પડી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો મીડિયામાં આવેલા અહેવાલો સાચા છે તો આ માનવાધિકારના ઉલ્લંદ્યનનો ગંભીર મુદ્દો છે.

કમિશને કહ્યું, મેડિકલ નિયમો પ્રમાણે એક ડોકટર વધુમાં વધુ ૧૨ સર્જરી કરી શકે છે, પરંતુ આ કિસ્સામાં ડોકટરે ૬૫ દર્દીઓની સર્જરી કરી છે. આ રીતે તબીબી નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક આંખની શસ્ત્રક્રિયા કરવી એ ગંભીર ચિંતાનો વિષય છે. આયોગે બિહાર સરકારના મુખ્ય સચિવને નોટિસ પાઠવીને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

(9:47 am IST)