મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

Paytmમાં હિસ્સેદારી વેચવાની કોઇ વિચારણા નથી : અટકળ બાદ એન્ટ ગ્રૂપની મોટી સ્પષ્ટતા

Paytmમાં જાપાનીઝ કંપની સોફ્ટબેન્ક ગ્રૂપની પણ મોટી હિસ્સેદારી

મુંબઇઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદની પ્રતિકુળ અસરો વ્યાવસાયિક ક્ષેત્રે પણ પડી રહી છે. સરહદ વિવાદને લીધે ચીન દ્વારા ભારતમાં કરવામાં આવતા મૂડીરોકાણને મર્યાદિત કરી દેવામાં આવ્યુ છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે, બંને પડોશી દેશો વચ્ચે વિવાદને પગલે ચીનના સૌથી મોટા ધનવાન વ્યક્તિ જેક-માની કંપની એન્ટી ગ્રૂપ ભારતની સૌથી મોટી ઓનલાઇન પેમેન્ટ કંપની Paytmનો સંપૂર્ણ હિસ્સેદારી વેચવા વિચારણા કરી રહ્યુ છે. જો કે મોડી સાંજે એન્ટ ગ્રૂપ દ્વારા આ અટકળો અંગે મોટી સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમા ચાઇનીઝ એન્ટ ગ્રૂપે કહ્યુ કે, Paytmમાં સંપૂર્ણ 30 ટકા હિસ્સેદારી વેચવાની કોઇ વિચારણા નથી.

અગાઉ રોયટર્સના સુત્રોએ એવી માહિતી આપી હતી કે ચાઇનીઝ એન્ટ ગ્રૂપ Paytmમાં 30 ટકા હિસ્સેદારી વેચવાની યોજના બનાવી રહ્યુ છે. હાલ તેને લઇને સત્તાવારા જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આ ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ આ અંગે રોયટર્સને માહિતી આપી હતી.

Paytmમાં જાપાનીઝ કંપની સોફ્ટબેન્ક ગ્રૂપની પણ મોટી હિસ્સેદારી છે. એક વર્ષ પૂર્વે પ્રાઇવેટ ફંડ રાઇઝિંગમાં Paytmની વેલ્યૂ 16 અબજ ડોલર ( 1.12 લાખ કરોડ- પ્રતિ ડોલર 70 રૂપિયાના હિસાબે) આંકવામાં આવી હતી. તે કિંમતના ધોરણે Paytmમાં એન્ટ ગ્રૂપની હિસ્સેદારીની વેલ્યૂએશન લગભગ 4.8 અબજ ડોલર જેટલી થાય છે.

(7:26 pm IST)